આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેશક અક્ષરજ્ઞાનપ્રચારની પ્રવૃત્તિ મૂળાક્ષરના જ્ઞાનથી શરૂ થઈને ત્યાં જ અટકવી ન જોઈએ. પણ મ્યુનિસિપાલિટીઓએ એકીસાથે બે ઘોડે સવાર થવાનો લોભ ન કરવો, નહીં તો આઘા જઈને પાછા પડવા જેવું થશે. સ્ત્રીઓની નિરક્ષરતાનું કારણ પુરુષોની પેઠે કેવળ આળસ અને જડતા નથી. તેથી વધારે મોટું કારણ તે અનાદિકાળથી સ્ત્રીને હલકી ગણનારી સામાજિક રૂઢિ છે. પુરુષે તેને પોતાની મદદગાર અને સહધર્મિણી બનાવવાને બદલે તેને ઘરનું વૈતરું કરનારી અને પોતાના ભોગવિલાસનું સાધન બનાવી છે. તેને પરિણામે આપણા સમાજનું અધું અંગ જૂઠું પડી ગયું છે. સ્ત્રીને પ્રજાની માતા કહેવામાં આવી છે એ વર્ણન સાચું છે. તેના પ્રત્યે આપણે જે મહાઅન્યાય કરેલો છે તે દૂર કરવી એ આપણું તેના પ્રત્યેનું તેમ જ પોતા પ્રત્યેનું કર્તવ્ય છે.”

કપડવંજના એક ભાઈએ પૂછયું : “આપે અમુક વિષષો વિષે જુદે જુદે પ્રસંગે જુદા જુદા અભિપ્રાયો બતાવેલા છે, એનો દુરુપયોગ કરીને અમારા વિરોધીઓ અમારી અત્યારની નીતિનો વિરોધ કરે છે. એ સ્થિતિમાં અમારે શું કરવું?”

ગાંધીજીએ કહ્યું : “એ અભિપ્રાયોમાં જે પરસ્પર વિરોધ છે તે માત્ર આભાસ છે, ને એની વચ્ચે મેળ સહેજે સાધી શકાય એમ હોય છે. સુરક્ષિત નિયમ એ છે કે જે વચન કાળક્રમે છેલ્લું હોય તેને અગાઉ- નાં બધાં કરતાં વધારે પ્રમાણભૂત માનવું ને તેને અનુસરવું. પણ મારું કોઈ પણ વચન, પછી તે હમણાંનું હોય કે પહેલાંનું, પણ તમારા હૃદય ને બુદ્ધિને ન ગમે ત્યાં સુધી એ તમને બંધનકર્તા ન ણાવું જોઈએ. એનો અર્થ એવો નથી કે મારું દૃષ્ટિબિંદુ ખોટું હતું. પણ જે દૃષ્ટિબિંદુ તમે સમજી કે ગ્રહણ કરી ન શકો તેનો સ્વીકાર કરવો એ અયોગ્ય ગણાય છે.”

સેગાંવ, ૭-૨-'૩૯

ह० बं०, ૨૬-૨-'૩૯

૧૨૮