આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું, "ત્યારે શું આપ હાઈસ્કૂલની કેળવણી કાઢી નાકશો ને મેટ્રિક સુધીની આખી કેળવણી ગામઠિ નિશાળોમાં આપશો?"

ગાંધીજી કહે, "જરૂર. તમારી હાઇસ્કૂલની કેળવણીમાં શું ભર્યું છે? જે વસ્તુ છોકરા પોતાની માતૃભાષામાં બે વરસમાં શીખી શકે તે પારકી ભાષામાં સાત વરસમાં શીખવાની ફરજ પાડવી એ સિવાય એમાં બીજું કંઈ છે ખરું કે? તમે જો બાળકો પરથી પરદેશી ભાષા દ્વારા ભણવાનો અસહ્ય બોજો કાઢી નાખવાનો નિશ્ચ યમાત્ર કરો, ને એમના

હાથપગનો ઉપયોગ કંઈક ફાયદો થાય એવા કામમાં વાપરતાં એમને શીખવો, તો કેળવણીનો કોયડો તો ઉકલી ગયો સમજો. દારૂની આખી આવક જતી કરવાનો વિચાર કરવો જોઈએ, ને પછી કેળવણી માટેના પૈસા ક્યાંથી મળી શકે એનો. આ એક મોટું પગલું ભરીને શરૂઆત કરો."

ह.बं.,૨૨-૮-'૩૭


નકામો ડર

એક લિબરલ મિત્ર ત્રણ વરસમાં દારૂબંધી કરવાના મહાસભાના કાર્યક્રમની બહુ સ્તૂતિ કર્યા પછી કેળવણી વિષે એમના મનમાં રહેલો ડર આ પ્રમાણે પ્રગટ કરે છેઃ

"મહાસભાના કેળવણી વિષેના કાર્યક્રમથી લોકોમાં કંઈક બેચેની ફેલાતી દેખાય છે. એક ડર એવો છે કે, આ નીતિને લીધે ઊંચી કેળવણીની પ્રગતિના કામમાં અંતરાય આવશે. હું આશા રાખું છું કે, જ્યાં લગી સારી રીતે વિચારપૂર્વક ઘડેલી યોજના નક્કી ન થાય ત્યાં લગી અને જે ફેરફારો સૂચવવાના હોય તેની પૂરતી ખબર અગાઉથી આપ્યા વિના ઉતાવળે કંઈ પણ પગલું ભરવામાં નહીં આવે."

૧૩