આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજની કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની, પૂરેપૂરી તૈયારી હતી. પહેલાં સાત વરસ પછી હવે નવી તાલીમા સગીર મટી પુખ્ત ઉંમરની થઈ ગણાય. ૧૯૪૪ની સાલમાં ગાંધીજી અટકમાંથી છૂટી તાલીમી સંઘના સભ્યોને પહેલવહેલા મળ્યા, ત્યારે તેમણે તેમને સમજાવ્યું કે, હવે તમારૂમ કામ એવી મજલે પહોંચ્યું છે કે, ત્યાંથી તેનું ક્ષેત્ર વધારવું જોઇએ. તમારે તમારા કામની મર્યાદામાં હવે પાયાની કેળવણીની પછીની અને પાયાની કેળવણી પૂર્વેની તાલીમને સમાવી લેવી જોઈએ. પાયાની કેળવણી ખરેખરી જીવનને માટેની અથવા તેના ઘડતર માટેની કેળવણી બનવી જોઈએ. અહીંથી આગળ પોતાની દલીલનો તાર ઉપાડીને પોતાના ભાષણમાં ગાંધીજીએ પરિષદને પાયાની કેળવણીના ક્ષેત્રનો વિસ્તાર હવે કયે ધોરણે તેમ જ કઇ દિશામાં કરવો અને પોતાના અભિપ્રાય મુજબ તે બાબતમાં પ્રધાનોની શી ફરજ છે, તે બાબતોની સમજૂતી આપી. ડૉ. ઝાકીર હુસેને એક સવાલ પૂછી એવી ચિંતા બતાવી કે, નવી તાલીમનું કાર્ય કરનારા વધારે પડતા ઉત્સાહમાં આવી જઇ ગળે ઊતરે તેનાથી મોટો કોળિયો ભરી બેસે, તેવો ભય નથી ? પોતે જે કાર્યક્રમ માથે લે, તે ગજા ઉપરવટનો હોય અને તેને અમલમાં મૂકવાનાં નવી તાલીમનું કામ કરનારા લોકો પાસે સાધન ન હોય, તો તે એક જોખમકારક તેમ જ આગળ ઉપર ફસાવી દેનારી જાળ જેવો ન થઈ બેસે? આ સવાલના જવાબમાં ગાંધીજીએ બોલવાનું શરૂ કર્યું

હું પ્રધાન હોઉં તો?

ગાંધીજીએ કહ્યું કે, શું કરવાનું છે તેની મને બરાબર ખબર છે, પણ તે કેમ કરવું ને કરવા માંડવું તે બાબત મારા મનમાં હજી બરાબર ગડ બેસતી નથી. અત્યાર સુધી તમારો (એટલે કે નવી તાલીમનું કાર્ય કરનારઓનો) રસ્તો બરાબર અંકાઈ ચૂકેલો હતો, પણ હવે તમારે અજાણ્યા દરિયામાં સફર ખેડવાની છે. તમારી મૂશ્કેલીઓ હું જાણું છું. જે લોકો (કેળવણીની) જૂની રૂઢિગત પરંપરામાં કેળવાયાં છે ને ઊછર્યાં છે, તે લોકો સહેજમાં એક તડાકે તેનાથી જુદે રસ્તે ફંટાઈ ન શકે.

૧૩૦