આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરિસ્થિતિની સાથે જમીન અને તેમાંથી ઊગતાં ઝાડના જેવો સંબંધ હોય. તેથી, વિદ્યાપીઠની કેળવણી પાયાની કેળવણીના અભ્યાસક્રમનો વિસ્તાર હોય. ધ્યાનમાં રાખવાનો અને સવાલના કેન્દ્રમાં રહેલો મુદ્દો જ આ છે. તમારા લોકોને આ વાત ગળે ઉતરતી ન હોય, અથવા આ મુદ્દાની બાબતમાં તમે મારી સાથે સંમત ન થતા હો, તો મને લાગે છે કે, મારી સલાહ તમને ખપમાં નહીં આવે. એથી ઊલટું,તમે મારી સાથે સમ્મત થતા હો કે, હાલની યુનિવર્સિટીની કેળવણીથી કેળવણી લેનારા વિદ્યાર્થીઓ પૂર્ણ સ્વરાજને લાયક બને એવા ઘડાતા નથી, ઊલટું તે કેળવણી તેમને કેવળ ગુલામીનું શિક્ષણ આપે છે ને ગુલામ બનાવે છે, તો તે પદ્ધતિને ધરમૂળથી સમારવાને અથવા તેને રદ કરી રાશ્ટ્રની જરૂરિયાતને અનુકૂળ થાય તેવા નવા ધોરણે ફરીથી રચવાનો તમે પણ મારી માફક અધીરા થઈ જશો.

આજે આપણી યુનિવર્સિટીઓમાં ભણી નીકળતા જુવાનિયા કાં તો સરકારી નોકરીની શોધમાં ફરતા રહે છે અથવા જૂનો ચિલો તદ્દન મૂકી દઈ,જાત જાતને રવાડે ચડી પોતાની વ્યર્થતાની ભાવનાને મોકળો માર્ગ આપવાને સમાજમાં બખેડો જગાડે છે. વળી, તેમને ભીખ માગવાની કે બીજાની કમાણી પર જીવવાની પણ શરમ આવતી નથી.તે બિચારાઓની આવી દયા ઉપજાવે તેવી દશા થાય છે. વિદ્યાપીઠની કેળવણીનું ધ્યેય પોતાના મુલકની આઝાદીને ખાતર મરી ફીટનારા પ્રજાના સાચા સેવકો પેદા કરવાનું હોય. તેથી મારો અભિપ્રાય છે કે, વિદ્યાપીઠની કેળવણી તાલીમી સંઘમાંથી શિક્ષકો લઈ પાયાની કેળવણી સાથે એકસૂત્રે પરોવી, તેના ધોરણ પર લાવવી જોઈએ.

તમે પ્રધાનોએ પ્રજાના પ્રતિનિધિઓ તરીકે રાજ્યવહીવટ ચલાવવા અધિકાર લીધો છે. તમે પ્રજાને તમારી સાથે રાખી નહીં શકો, તમારા વિચારોમાં અને કાર્યોમાં ભાગ લેતી નહીં કરો, તો તમારા હુકમો આ કાઉન્સિલ હૉલની બહાર કોઈ માનવાનું નથી. આજે મુંબઈમાં ને અમદાવાદમાં જે બની રહ્યું છે, તેનો અર્થ જો એવો થતો હોય કે

૧૩૨