આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોંગ્રેસે લોકો પરનો પોતાનો પ્રભાવ અથવા કાબૂ ગુમાવ્યો છે, તો તે એક અપશુકનિયાળ લક્ષણ છે. નવી તાલીમ હજી કુમળો છોડ છે, પણ તે મોટાં ફળની આશા આપનારો છે. પ્રજાના ટેકાને અભાવે કેવળ પ્રધાનોનાં છોડેલાં ફરમાનોથી એ છોડનો વિકાસ જબરજસ્તીથી નહીં કરી શકાય.તેથી તમને લોકોનો અથવા તેમની ભાવનાનો કે નિષ્ઠાનો આધાર નહીં મળે, તો મારી તમને સલાહ છે કે, તમારે તમારી જગ્યાનાં રાજીનામાં આપીદેવાં. એથી અહીં અંધાધૂંધી ફેલાશેએવો ડર ન રાખશો. તમારૂં કાર્ય તમને સૂઝે એવી તમારી પોતાની ફરજ બજાવી છૂટવાનું અને બાકી બધું ઇશ્વરના હાથમાં સોંપી દેવાનું છે. આ અનુભવમાંથી પણ પ્રજા સાચી સ્વતંત્રતાનો પાઠ શીખશે.

એ પછી ગાંધીજીએ શ્રોતાઓને સવાલો પૂછવાને જણાવ્યું. પહેલો સવાલ આ હતોઃ "સ્વાવલંબનનું ધોરણ બાદ રાખીને પાયાની કેળવણી ચલાવી શકાય?"

ગાંધીજીએ જવાબમાં કહ્યું, "તમે જરૂર ચલાવી શકો. પણ મારી સલાહ પૂછો તો હું કહીશ કે, તો પછી તમે પાયાની કેળવણીની વાત તદ્દન ભૂલી જજો. સ્વાવલંબનનો, એટલે કે કેળવણીની પ્રક્રિયામાંથી જ તેનું ખર્ચ મેળવી લેવાનો સિધ્ધાંતની સાથે કાર્યકારણ ભાવે સંકળાયેલો નથી. પણ મારે મન એ જ તેની સાચી કસોટી છે.આનો અર્થ એવો નથી કરવાનો નથી કે, પાયાની કેળવણી તદ્દન શરૂઆતથી જ પોતાનું ખર્ચ કાઢતી થઈ સ્વાવલંબી થાય. પણ પાયાની કેળવણીની યોજનાનો આખો સાત વરસનો ગાળો સળંગપણે લેતાં આવક અને ખર્ચનાં પાસાંનો મેળ મળી રહેવો જોઈએ. કેમે કે, નહીં તો એનો અર્થ એવો થાય કે, પાયાની કેળવણી પૂરી કર્યા પછી પણ નવી તાલીમમાં કેળવાનારા વિદ્યાર્થીઓ જીવનને માટે ઘટતી રીતે ઘડાતા નથી. એ તો પાયાની કેળવણીનો ઇન્કાર થાય. એટલે સ્વાવલંબનના પાયા વગરની પાયાની કેળવણી ચેતન વગરના શરીર જેવી થઈ રહેશે.

ત્યાર બાદ બીજા સવાલજવાબ થયા.

૧૩૩