આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ₀- પાયાનો એકાદ હુન્નર લઈ તેની મારફ્તે કેળવણી આપવાનો સિદ્ધાંત અમે સ્વીકાર્યો છે. પણ કોઈક કારણ્સર મુસલમાનો રેંટીયાનો વિરોધ કરે છે. જે પ્રદેશમાં કપાસ થાય છે, તેમને માટે તમે કાંતવાના ઉદ્યોગ પર ભાર દો, તે બરાબ્ર થાય. પણ જે પ્રદેશમાં કપાસ નથી થતો, તે પ્રદેશોને એ ઉદ્યોગ અનુકૂળ નથી, એ વાતમાં તમે સંમત કેમ નથી થતા? એવાં સ્થળોને કાંતણની અવેજીમાં બીજો કોઈ હુન્નર ન ચાલે? દાખલા તરીએ, ખેતી ન ચાલે?

જ₀- આ સવાલ બહુ જૂનો થયો. કેળવણીના સાધન અથવા માધ્યમ તરીકે કોઈ પણ ઉદ્યોગ કામ આપે કે નહીં, તેની એ કસોટી છે. તે ઉદ્યોગ સાર્વત્રિક, એટલે કે સૌથી થાય એવો હોવો જોઈએ. આજથી પહેલાં છેક ૧૯૦૮ની સાલમાં મેં એવો નિર્ણય બાંધ્યો હતો કે, હિંદુસ્તાનને સ્વતંત્ર કરવાને અને તેને પોતાની તાકાત પર ઊભું રહેતું કરવાને હિંદુસ્તાનના ઘરેઘરમાં રેંટિયો દાખલ કરવો જોઈશે. ઇંગ્લેંડમાં કપાસનું એક પૂમડું ફૂટતું નથી અને છતાં તે હિંદુસ્તાનમાં, બલ્કે દુનિયાભરમાં સુતરાઉ કાપડની નિકાસ કરી શકે છે. તો પડોશના જિલ્લામાંથી કે બહુ તો પ્રાંતમાંથી કપાસ લાવવો પડશે તેટલા ખાતર આપણા ઘરેઘરમાં આપણે કાંતણ શા સારુ દાખલ ન કરી શકીએ, તે મારી સમજમાં ઊતરતું નથી. હકીકતમાં હિંદુસ્તાનનો એક વિભાગ એવો નથી, જ્યાં એક જમાનામાં કપાસની ખેતી નહોતી થતી.કપાસની ખેતી અમુક અમુક વિભાગોમાં મર્યાદીત કરી તેમને 'કપાસના પ્રદેશો'ને નામે ઓળખાવવાની અકુદરતી વાતો છેક હમણાંની નીકળેલી છે; એને કપાસમાંથી બનતા સૂતરના તૈયાર માલમાં સ્વાર્થ ધરાવનારા સ્થાપિત હિતોએ હિંદુસ્તાનના ગરીબ કર ભરનારા વતની તેમ જ તેમાં કાંતનારાઓને ભોગે હિંદુસ્તાનને માથે મારેલી છે. આજેયે કપાસનાં ઝાડો પર ફૂટતો કપાસ તો હિંદુસ્તાનમાં બધે મળે છે. તમે જે દલીલ કરો છો, તે જાતની દલીલો આપણી પહેલ કરવાની અથવા નવું નવું કરવાની, સાહસ ખેડવાની અને નવાં નવાં સાધનો બેઠાં કરી લેવાની શક્તિને નાનમ લગાડે તેવી છે. બીજા કોઈક સ્થળમાંથી કાચો માલ આયાત કરવાની

૧૩૪