આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જરૂરને ટાળી ન શકાય તેવી અડચણ લેખવામાં આવે, તો બધી જાતનો માલ તૈયાર બનતો અટકી જાય ને બધા ઉદ્યોગો માર્યા જાય.

વળી, નાગા ફરવાની દશામાંથી ઉગારો ન હોય, ત્યારે પોતાના હાથની મજૂરીથી કોઈ માણસને પોતાનાં કપડાં પહેરતો કરવામાં સાચે જ ઉત્તમ પ્રકારની કેળવણી રહેલી છે.બરાબર સમજીને રૂને કાંતીને તેનું સૂતર બનાવવાની અને તેને લગતી બીજી ક્રિયાઓ બુદ્ધિની કેળવણીની દૃષ્ટિથી બહુ કીમતી છે એટલું જ નહીં, બીજા કોઈ ઉદ્યોગમાં ન થતી હોય તેવી માણસની સંપૂર્ણ કેળવણી તે ક્રિયાઓ દ્વારા થાય છે. મુસલમાનોનો વહેમ આજે કદાચ આપણે ટાળી નહીં શકીએ, કેમ કે તે બધાનું મૂળ ભ્રમમાં રહેલું છે; અને ભ્રમની જાળમાં સપડાનારને મન ભ્રમ ટળે નહીં, ત્યાં સુધી તે ભ્રમના જેવી સત્ય વસ્તુ બીજી કોઈ લાગતી નથી. પણ આપણી શ્રદ્ધા ચોખ્ખી તેમ જ દૃઢ હશે અને આપણી પદ્ધતિની સફળતાનો આપણે અમલી પુરાવો આપીશું, તો ખુદ મુસલમાનો આપણને શોધતા આવશે અને આપણી સફળતાનું રહસ્ય પોતાને બતાવવાને આપણને જાતે થઈને કહેશે. ખુદ મુસ્લિમ લીગ અથવા બીજી કોઈ મુસ્લિમ સંસ્થાના કરતાં રેંટિયાએ ગરીબમાં ગરીબ મુસ્લિમ આમજનતાની વધારે સેવા કરી છે, એ વાત મુસલમાનોને હજી સમજાઈ નથી. બંગાળના વણકરોમાંથી મોટો ભાગ મુસલમાનોનો છે. વળી એ પણ ન ભૂલશો કે, પોતાની શબનમોને માટે દુનિયાભરમાં પંકાયેલા ઢાલાની ખ્યાતિ તેના મુસ્લિમ કાંતનારાઓ અને વણકરોને આભારી છે.

મહારાષ્ટ્રનું પણ આમ સમજવું. ભ્રમ મટાડવાનો સૌથી શ્રેષ્ઠ ઇલાજ પોતપોતાની ફરજ બજાવવામાં એકાગ્રતાથી મંડી રહેવાનો છે. ટકનારું એક સત્ય છે, બાકી બધું કાળના જુવાળમાં ઘસડાઈ જવાનું છે. તેથી સૌ કોઈ મને છોડી જાય, તોયે મારે તો સત્યને પોકારી પોકારીને જાહેર કરવું રહ્યું. આઅજે મારો અવાજ અફાટ જંગલમાં એકલો હશે, તોયે તે જો સત્યનો અવાજ હશે, તો બાકી બધા અવાજો ચૂપ થઈ જશે ત્યારેયે તે સંભળાયા કરશે.

૧૩૫