આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કુંડાળામાં ફરતી દલીલ

"નવી તાલીમ માટે પાવરધા શિક્ષકો નિપજાવવામાં વખત જશે. તે દરમિયાન નિશાળોમાં અપાતી કેળવણીને સુધારવા શું કરવું?" એવો સવાલ અવિનાશલિંગમ્ ચેટ્ટિયારે અંગ્રેજીમાં પૂછ્યો. સૌની હસાહસ વચ્ચે ગાંધીજીએ તેમની ઠેકડી ઉડાવતાં કહ્યું કે, તમારાથી હિંદુસ્તાનીમાં ન બોલાતું હોય, તો તમારે જે કહેવું હોય તે તમારી પાસે બેઠેલા ભાઈના કાનમાં કહો અને તે મારે માટે તમારા સવાલનું હિંદુસ્તાની કરી દેશે !

પછી ગાંધીજીએ આગળ ચલાવ્યું, "તમને સમજાયું હોય કે, ચાલુ કેળવણીની પદ્ધતિ હિંદુસ્તાનને સ્વતંત્રતા અપાવી શકે તેમ નથી.પણ ઊલટું તેની ગુલામીનાં બંધનોને મજબૂત કરે છે, તો તેની અવેજીમાં કેળવણીની બીજી કોઈ પદ્ધતિ મળવાની છે કે નથી તેનો વિચાર સરખો કરવાને ન થોભતાં, તમે ચલુ પદ્ધતિને ઉત્તેજન નહીં આપો;નવી તાલીમના સિદ્ધાંતની મર્યાદામાં સમાયેલું જે કંઈ થઈ શકે તે તમે કરવા માંડશો અને તેટલાથી સમાધાન માનશો.પ્રજાને પ્રધાનો આ શરતે ન જોઈતા હોય, તો પ્રધાનોએ બહેતર છે કે, પોતાની જગ્યાનાં રાજીનામાં મૂકી દેવાં. તમારાથી લોકોને જીવનને પોષક આહાર આપી શકાતો નથી, અથવા લોકોને તમારો આપેલો એવો ખોરાક ભાવતો નથી, તેટલા ખાતર તમે તેમને ઝેરી ખોરાક ખવડાવવાને તો તૈયાર નહીં થાઓ?

સ₀ - તમે કહો છો કે, નવી તાલીમને મટે આપણને પૈસો નહીં, માણસો જોઈએ છે. પણ માણસોને તૈયાર કરવાને સંસ્થાઓ જોઈશે અને તેથી નાણાં જોઈએ. આમ કુંડાળામાં ફર્યા કરતી આ દલીલમાંથી રસ્તો કેમ કાઢવો?

જ₀ - એનો ઇલાજ તમારા પોતાના હાથમાં છે.તમારી જાતથી શરૂઆત કરો. અંગ્રેજીમાં એક ડહાપણભરી કહેવત નથી કે, 'ઉદારતાની શરૂઆત પંડથી થાય છે?' પણ તમે સાહેબની માફક આરામખુરશીમાં પડ્યા પડ્યા આ કામને માટે તમે જેમને તમારાથી ઉતરતાં પ્રાણીઓ માનો તે તૈયાર થઈ જાય, એવી અપેક્ષા રાખો, તો તમે છો ત્યાંના ત્યાં જ રહેશો. મારો રસ્તો એ નથી.છેક બચપણથી નાની સરખી કાં ન હોય, પણ

૧૩૬