આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે; કેળવણી ખાતાના પ્રધાનના હથ નીચે રહીને નવી તાલીમનું કામ ચલાવવાની જવાબદારી સોંપવા માટે તેમણે રામચંદ્રમની પણ માગણી કરી છે.

ગાંધીજી : રામચંદ્રમ્ આવ્યા તો નથી ને ? આ બાબતમાં મારે તેમની સાથે વાત કરવી જોઈશે. શાળાની બાબતમાં તો આપણામાં શક્તિ હોય તો જ એ કામ આપણે હાથમાં લેવું જોઈએ, નહીં તો આપણે તેમને (સરકારને) પણ ફસાવીશું. આજે આપણા હાથમાં સત્તા આવી છે. કરોડો રૂપિયા આપણા હાથમાં આવ્યાં છે. એ પૈસા આપણે ઇચ્છીએ તે રીતે ખરચી શકીએ છીએ. એ બાબતમાં આપણું પોતાનું અંતર પૂછનાર ન હોય તો કદાચ બીજું કોઈ પૂછનારું નહીં હોય. એક બે વરસ એમ ચાલશે. પછી જો સંગીન કામનહીં થાય તો એ વધારે વખત નભી નહીં શકે. એટલે મારી સલાહ છે કે, શક્તિ હોય તો જ આ કામ હાથ ધરજો. આપણી એટલી તૈયારી ન હોય તો કહેવું જોઈએ કે, અમે કેન્દ્રમાં શીખવી શકીશું. પ્રાંતો સુધી નહીં પહોંચી શકીએ; જોઈએ તો સેવાગ્રામમાં અમારું કામ ચાલે છે તે આવીને જોઈ જાઓ. ત્રણ પ્રકારની કેળવણી

આપણી કેળવણી ત્રણ પ્રકારની છે. એનાથી બુદ્ધિ , શરીર ને આત્મા ત્રણેનો વિકાસ થાય છે. બીજી કેળવણીથી કેવળા બુદ્ધિ વધે છે. તેમાં પણ મારો દાવો છે કે, નવી તાલીમમાં બુદ્ધિ શુદ્ધ થાય છે અને તેનો વિકાસ થાય છે; આત્માને પણ ખોરાક મળે છે. ધાર્મિકા શિક્ષણ નહીં હોય તેથી શું ? આત્માને ધાર્મિકા શિક્ષણ સાથે અને તે પણ પુસ્તકિયા શિક્ષણ સાથે જોડાવાની જરૂર નથી. આપણે બધા ધર્મોના સારા સારા શિદ્ધાંતો જીવન મારફતે બાળકોને શીખવીશું. કાંતવાનું અને ઝાડુ વાળવાનું શીખવવાથી જ નવી તાલીમનું ધ્યેય સિદ્ધ નથી થઈ જતું. કાંતવાનું ને ઝાડુ કાઢવાનું શીખવવાનું તો છે જ; ફણા એટલું જ પૂરતું નથી. ઝાડુ વળવામાં આત્મા ઉન્નત ના થાય તો તે છોડી દેવું જોઈએ. હું હમણાં બીજાં કામોમાં પડ્યો છું પણ નવી તાલીમને કડી ભૂલતો નથી.

૧૪૪