આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તે હું આ પત્રમાં કદાચ આપી શકીશ. અત્યારે તો એક વિદ્વાન પત્રલેખકે એક ફરિયાદ કરી છે તેનો જવાબ દેવા ઈચ્છું છું. એમની કલ્પના પ્રમાણે મેં અક્ષરજ્ઞાનની ઉપેક્ષા કરવાનો અપરાધ કર્યો છે. મેં જે લખ્યું છે તેમાં આ માન્યતાને કારણ મળે એવું કશું જ નથી, કેમ કે મેં એમ નથી કહ્યું કે, મારી કલ્પના પ્રમાણેની નિશાળમાં બાળકોને જે હાથઉદ્યોગ શીખવવામાં આવે છે તેની મારફતે તેમને દરેક પ્રકારનું શિક્ષણ મળશે! એમાં અક્ષરજ્ઞાનનો સમાવેશ થઇ જાય છે. મારી યોજના અનુસાર હાથ ચિત્ર પાડે કે અક્ષર લખે તે પહેલાં તે ઓજાર વાપરવા લાગશે. આંખ જેમ બીજી વસ્તુઓને જુએ છે, તેમ અક્ષરો અને શબ્દોનાં ચિત્રો વાંચશે. કાન ચીજો અને વાક્યોનાં નામ અને અર્થો ઝીલી લેશે. આ આખી શિક્ષણપ્રગતિ સ્વાભાવિક હશે, બાળકને રસ પમાડે એવી હશે, અને તેથી દેશમાં ચાલતી બધી પધ્ધતિઓ કરતાં એ વધારે વેગવાળી ને સસ્તી હશે. એટલે મારી નિશા ળનાં બાળકો જેટલી ઝડપથી લખશે એના કરતાં ઘણી વધારે ઝડપથી વાંચશે. અને તેઓ લખશે ત્યારે હું પણ (મારા શિક્ષકોને પ્રતાપે) બિલાડાં ચીતરું છું તેમ તેઓ નહીં ચીતરે, પણ તેઓ જેમ પોતે જોયેલી ચીજોનાં યથાર્થ ચિત્રો દોરશે તેમ શુધ્ધ ને સુરેખ અક્ષરો પણ ચીતરશે. મારી કલ્પના પ્રમાણેની નિશાળો કદી પણ અસ્તિત્વમાં આવે તો હું કહેવાની હામ કરું છું કે, તેઓ વાચનની બાબતમાં સૌથી આગળ વધેલી નિશાળો સાથે હરીફાઈ કરી શકશેઃ અને જો લેખન આજે ઘણી ખરી જગાએ થાય છે તેમ અશુધ્ધ નહીં પણ શુધ્ધ હોવું જોઈએ એમ સૌ સ્વીકારે, તો મારી નિશાળ લેખનની બાબતમાં સુધ્ધાં કોઈ પણ નિશાળની બરોબરી કરી શકશે. સેગાંવની નિશાળનાં બાળકો જૂની રીત પ્રમાણે લખે છે એમ કહી શકાય. મારા ધોરણ પ્રમાણે તો તેઓ પાટી ને કાગળ બંને બગાડે છે.

ह.बं. , ૨૯-૮'૩૭

૧૫