આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા. જો એ યાંત્રિક રીતે ન શીખે તો સાત વરસ લાગવાં જ જોઈએ. આપણે ઇતિહાસના અભ્યાસને માટે કે ભાષાઓના અભ્યાસને માટે વરસો શા સારુ આપીએ છીએ? અત્યાર સુધી આ જે વિષયોને કૃત્રિમ મહત્તવ અપાયું છે એના કરતાં આ ઉદ્યોગોનું મહત્ત્વ કંઈ ઓછું છે શું?"

"પણ આપ તો મુખ્યત્વે કાંતણ પીંજણનો વિચાર કરો છો, એટલે આપ આ નિશાળોને વણાટશાળાઓ બનાવવા માગો છો એમ જ લાગે છે. કોઈ બાળકને વણાટ પ્રત્યે વલણ ન હોય ને બીજી કોઈ ચીજ માટે હોય તો?"

"બરાબર છે. તો આપણે એને કંઈ બીજો ઉદ્યોગ શીખવીશું. પણ તમારે એટલું જાણવું જોઈએ કે, એક નિશા।ળ ઘણાં ઉદ્યોગો નહીં શીખવે. કલ્પના એ છે કે, આપણે પચીશ છોકરાં દીઠ એક શિક્ષક રાખવો જોઈએ, અને એ દરેક નિશાળમાં એક એક નોખા નોખા ઉદ્યોગનું - સુતારી, લુહારી, ચમારકામ કે મોચીકામનું શિક્ષણ આપીએ. માત્ર તમારે એટલી હકીકત ધ્યાનમાં રાખવાની છે કે, તમારે આ દરેક ઉદ્યોગ વાટે બાળકના મનનો વિકાસ સાધવાનો છે. તે ઉપરાંત બીજી એક વસ્તુ પર ભાર દેવા ઇચ્છું છું. તમારે શહેરોને ભૂલી જવાં જોઈએ ને બધી શક્તિ ગામડાં પાછળ વાપરવી જોઈએ. ગામડાં એ તો મહાસાગર છે. શહેરો એ તો સિંધુમાં કેવળ બિંદુવત્ છે. એથી જ તમે ઈંટો બનાવવા જેવા વોષયોનો વિચાર કરી શકતાં નથી. છોકરાઓને ઇજનેર બનવું જ હોય તો સાત વરસના અભ્યાસ પછી તેઓ એ ઉંચા ને ખાસ અભ્યાસની કૉલેજોમાં જશે.

"બીજી એક વસ્તુ ઉપર ભાર દઉં. આપણને ગામડાંના ઉદ્યોગને કશી વિસાતમાં ન ગણવાની ટેવ પડેલી છે, કેમ કે આપણે શિક્ષન અને શારીરિક કામ બેને વિખૂટાં રાખેલાં છે. શારીરિક કામને હલકું ગણવામાં આવેલું છે, અને વર્ણસંકર થઈ ગયેલો હોવાને લીધે આપણે કાંતનાર, વણનાર, સુતાર, મોચીને હલકા વર્ણના - વસવાયાં ગણતા થયા

૨૧