આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામ કરતું થઈ જાય. આંખ કાન, હાથની કેળવણી અતિઆવશ્યક છે અને અંગમહેનતથી બધી નિશાળોમાં ફરજિયાત કરવી જોઈએ; પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે , જેને હાથની કેળવની કહીએ છીએ તે વસ્તુતઃ મગજની જ કેળવણી હોય છે. કોઈ પણ નિશાળ કેળવની આપવા માગતી હોય તો તેણે તે વેચી શકાય એવો માલ બનાવવાનો વિચાર છોડી જ દેવો જોઈએ. તેણે બાળકોને કાચો માલ ને યંત્રો આપવા જોઈએ, તેના પર બાળક અખતરા કરીને ભલે બગાડે. બગાડ તો થવાનો જ. નરહરિ પરીખે સાબરમતી હરિજન આશરમની બાળાઓના કાંતણના આંકડા આપ્યા છે તેનો કાળજીથી અભ્યાસ કરતાં દેખાઈ આવે છે કે, નિશાળ એક જ કામ લઈને બેસે છે તોપણ સારી પેઠે બગાડ થાય છે. ધંધાના શિક્ષણની નિશાળ એ, વિજ્ઞાનની કૉલેજની પેઠે, પ્રયોગ કરવાની અને સાધનસામગ્રી બગાડવાની જગા છે. હિંદુસ્તાન જેવા ગરીબ દેશે તો એવી નિશાળો જેટલી ઓછી ઉઘાડવાની જરૂરને હોય તેટલી જ ઉઘાડવી જોઈએ, ને તે અમુક મોટાં મથકોમાં હોવી જોઈએ. ગોરખપુર કે અવધના છોકરાઓને પસંદ કરીને કાનપુર ચાદર કેળવવાનું કામ શીખવા મોકલ્યા હોય તો તેથી રાષ્ટ્રને કશું નુકશાન ન થાય; પણ ધંધાદારી નિશાળો અગણિત કાઢવાથી બગાડ થવાનો જ."

"બીજી એક જાતનો બગાડ સામાન્ય રીતે ધ્યાનમાં આવતો નથી. એક રતલ રૂમાંથી જો પ્રૌઢ ઉંમરનો કુશળ મજૂર ચાર માણસ પહેરે એટલાં કપડાં બનાવી શકશે, તો અણઘડ મજૂર માંડ બે માણસને થાય એટલા કપડાં બનાવશે. આનો અર્થ એ છે કે હિંદુસ્તાનને વસ્ત્રો પૂરાં પાડવાને સારુ અત્યારના કરતાં બમણી જગામાં કપાસનું વાવેતર કરવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, અણઘડ મજૂરો મારફતે કામ લેવાય તો હિંદુસ્તાનને વસ્ત્ર પૂરાં પાડવાને પૂરતો કપાસ ઉગાડવા સારુ જેટલી જમીન જોઈશે તેટલી જમીનમાં જો કુશળ મજૂર મારફતે કામ લીધું હોય તો, હિંદુસ્તાનને અન્ન અને વસ્ત્ર બંને પૂરા પડે એટલા સારુ પૂરતાં અનાજ અને કપાસ બંને ઊગી શકે."

" આ બગાડની એક ત્રીજી બાજુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એમ કહેવામાં આવે છે કે, નિશાળનાં બાળકો ભાત ભાતની સુંદર ચીજો બનાવી શકે. થોડા દિવસ પર એક ઉદ્યોગશાળામાં ભણી આવેલ એક છોકરાને મેં 'પ્લાઈવૂડ' માંથી રમકડાં બનાવતો જોયો હતો. એ લાકડું, નકૂચા અને ઓજારો વાપરતો હતો તે પરદેશથી આવેલાં

૨૪