આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કેળવણીના પુનર્ઘટનની જરૂર

['બુધ્ધિવિકાસ વિ. બુધ્ધિવિલાસ' એ લેખ]

ત્રાવણકોરના ને મદ્રાસના ભ્રમણમાં વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોના સહવાસમાં મને લાગ્યું કે, હું જે નમૂનાઓ જોઈ રહ્યો હતો તે બુધ્ધિવિકાસના ન હતા પણ બુધ્ધિવિલાસના હતા. આધુનિક કેળવણી પણ આપણને બુધ્ધિના વિલાસો શીખવે છે ને બુધ્ધિને આડે લઈ જઈ તેના વિકાસને રોકે છે. સેગાંવમાં પડ્યો હું જે અનુભવી રહ્યો છું તે આ વાતની પૂર્તિ કરતું દેખાય છે. મારું અવલોકન તો હજુ ચાલી જ રહ્યું છે. એટલે તે અનુભવો ઉપર આ લખાણમાંના વિચારોનો આધાર નથી. એ વિચારો તો જ્યારથી મેં ફિનિક્સ સંસ્થાની સ્થાપના કરી ત્યારથી, એટલે કે ૧૯૦૪ની સાલથી.

બુધ્ધિનો ખરો વિકાસ હાથ પગ કાન ઇત્યાદિ અવયવોના સદુપયોગથી જ થઈ શકે. એટલે કે, શરીરનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરતાં બુધ્ધિનો વિકાસ સારામાં સારી રીતે ને વહેલામાં વહેલો થાય. આમાંય જો પારમાર્થિક વૃત્તિ ન ભળે તોય શરીર ને બુધ્ધિનો વિકાસ એકતરફી થાય છે. પારમાર્થિકવૃત્તિ શુદ્ધ વિકાસને સારુ આત્માનો અને શરીરનો વિકાસ સાથે સાથે ને એકસરખી ગતિએ ચાલવો જોઇએ. એટલે કોઈ કહે કે આ વિકાસો એક પછી એક થઈ શકે, તો તે ઉપરની વિચારશ્રેણી પ્રમાણે બરોબર ન હોવું જોઈએ.

હૃદય, બુધ્ધિ અને શરીર વચ્ચે મેળ ન હોવાથી જે દુઃસહ પરિણામ આવ્યું છે તે પ્રસિધ્ધ છે. છતાં અવળા સહવાસને લીધે આપણે તે જોઈ નથી શકતા. ગામડાંના લોકો પશુઓમાં ઉછરી માત્ર શરીરનો ઉપયોગ યંત્રવત્ થઈ કરે છે; બુધ્ધિનો ઉપયોગ કરતા જ નથી, કરવો