આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી કે જે ઉદ્યોગો શીખવતાં શીખવતાં બાળકને શીખવવાપણું નહીં હોય.

મારી કલ્પના એવી છે ખરી કે, જેમ મેં શીખવાના વિષયોને જુદા ગણ્યા નથી પણ એક બીજામાં ઓતપ્રોત છે, અને બધાની ઉત્પતિ એક જ વસ્તુમાંથી થયેલી છે, તેમ શિક્ષકની કલ્પના પણ એકની જ છે. વિષયો પરતવે નોખા શિક્ષકો નહીં પણ એક જ. વર્ષો પરત્વે નોખા હોય. એટલે કે, સાત ધોરણ હોય તો સાત શિક્ષક હોય, અને એક શિક્ષક પાસે પચીસથી વધારે છોકરાં ન હોય. જો કેળવણી ફરજિયાત હોય તો પ્રથમથી જ બાળક ને બાળાઓના નોખા જ વર્ગ હોવાની આવશ્યકતા હું ગણું. કેમ કે છેવટે દરેકને એક જ ધંધા શીખવવાના નહીં હોય, તેથી પ્રથમથી જ નોખા વર્ગો હોય તો વધારે સગવડવાળા થશે, એવી મારી માન્યતા છે.

આ પધ્ધતિમાં, કલાકોમાં શિક્ષકોની સંખ્યામાં, વિષયોની ગોઠવણીમાં ફેરફારને અવકાશ ભલે હોય; પણ જે સિધ્ધાંતને અવલંબીને શાળામાત્રને ચાલવું છે એ સિધ્ધાંત અચલિત સમજીને મારી કલ્પનાની શાળા ચાલી શકે.

અત્યારે ભલે એ સિધ્ધાંતનો અમલ કરીને કોઈ પ્રકારનું પરિણામ ન બતાવી શકાયું હોય, પણ જે પ્રધાન આવા શિક્ષણનો આરંભ કરવા ઇચ્છે એને એ સિધ્ધાંતો વિશે શ્ર્ધ્ધા હોવીજ જોઈએ. અને આ શ્રધ્ધા બુધ્ધિ ઉપર રચાયેલી છે, તેથી આંધળી નહીં પણ જ્ઞાનમય હોવી જોઈએ. એ સિધ્ધાંતો બે છેઃ

૧. કેળવણીનું વાહન કોઈ પણ ગ્રામોપયોગી ઉદ્યોગ હોય.

૨. એકંદરે કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ. એટલે કે, ભલે પહેલાં એકબે વરસ થોડી સ્વાવલંબી ન હોય, પણ સાત વરસનું સરવૈયું કાઢતાં ઉપજ અને ખર્ચ સરખાં હોવાં જોઈએ. મેં કેળવણીનાં સાત વરસ ગણ્યાં છે એમાં વધઘટને અવકાશ છે.

ह.बं. , ૧૯-૯-'૩૭

૩૩