આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષે વાપરવું અયોગ્ય ન હોય તો) સંહારક અથવા નિષેધાત્મક ક્રમ જેટલો લોકપ્રિય થઈ પડ્યો એટલો રચનાત્મક અથવા ઉત્પાદન કાર્યક્રમ ન થઈ શક્યો, તોપણ મહાસભા તેને ૧૯૨૦ની સાલથી સહન કરતી આવી છે. મહાસભાએ તેને કદી રદ્દ કર્યો નથી, અને ઠીક સંખ્યામાં મહાસભાવાદી લોકોએ તેને અપનાવી લીધો છે. તેથીએ ક્ષેત્રમાં જે કંઈ થઈ શક્યું છે, તે મહાસભાવાળાથી જ થઈ શક્યું છે. અને પ્રગતિ થવાની આશા પણ જ્યાં મહાસભા-સરકાર થઈ છે ત્યાં જ રાખી શકાય. પણ મહાસભા-સરકાર થઈ તેથી રચનાત્મક કાર્યમાં શ્રદ્ધા રાખનારાઓ મોળા ન પડે, ગફલતમાં ન રહે. મહાસભા-સરકાર થઈ એટલે તેઓનો ધર્મ વધારે જાગ્રત, વધારે ઉદ્યમી, વધારે અભ્યાસી થવાનો છે. અને એમ થાય તો જ મહાસભા-સરકારને વિષે આશા રખાયેલી હોય તે સફળ થાય. મહાસભા-સરકાર એટાલે લોકતંત્ર આજે ઉઠાવવા ઇચ્છે તો ઉઠાડી શકે છે. લોકતમ્ત્રની ઇચ્છા અને સત્તા ઉપર એ સરકાર નિર્ભર છે. એથી રચનાત્મક કાર્યક્રમનો સ્વીકાર અને અમલ પણ મહાસભાવાદી લોકો ધારે તો કરાવી શકે છે, અને તો જ થઈ શકે. સરકારની પાસે સ્વતંત્રબળ એટલે તલવારબળ નથી. તેનો મહાસભાએ ઇચ્છાપૂર્વક જ ત્યાગ કર્યો છે. એ બળ બ્રિટિશ સરકાર પાસે છે. જ્યારે મહાસભા-સરકારને બ્રિટિશ સત્તાનો એટલે કે તલવારબળનો ઉપયોગ કરવો પડે, ત્યારે ત્રિરંગી ઝંડો નીચે પડ્યો સમજવો; મહાસભા-સરકાર તે દિવસથી બંધ થઈ એમ સમજવું. પણ જો લોકો મહાસભાનું એટલે મહાસભા-સરકારનું ન માને અથવા તેઓમાં અહિંસાએ પ્રવેશ ન કર્યો હોય, તો આજે તેજસ્વી સરકાર કાલે નિસ્તેજ થઈ જશે.

એટલે રચનાત્મક કાર્યને વિષે શ્રદ્ધા રાખનારા મહાસભાવાદીઓ સાવધાન થઈ જાય. મેં રજૂ કરેલો શિક્ષણક્રમ પણ રચનાત્મક કાર્યનો મોટો અંશ છે. જે રૂપ તેને હું અત્યારે આપી રહ્યો છું, એ મહાસભાએ અપનાવ્યું છે, એમ કહેવાનો મારો આશય નથી. પણ હું જે લખી રહ્યો છું તે ૧૯૨૦થી રાષ્ત્રીય શાળાઓને વિષે જે કંઈ મેં કહ્યું છે ને લખ્યું છે તેના મૂળમાં છુપાયેલું જ હતું. એ મારી પાસે વખત આવ્યો એટાલે એકાએક પ્રગટ થયું છે, એવો મારો દૃઢ વિશ્વાસ છે.

૩૫