આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને આપના સ્વાશ્રયી અને ઉદ્યોગી શિક્ષણના વિચારો બહુ જ યોગ્ય અને અનુભવસિદ્ધ થઈ શકે એવા લાગે છે. હું આપના વિચારોના મુદ્દાઓ સમજી શક્યો છું. એ પ્રમાણે મારો અનુભવ પણ એવો થતો જાય છે કે,

"૧. બધાજ પ્રકારની કેળવનીનું વાહન ઉદ્યોગ રાખવાથી સાચે જ વિદ્યાર્થીને સર્વોત્તમ કેળવણી મલી જ રહે છે. અને તેમાં પુરુષાર્થ અને ચારિત્રના સંસ્કારો તો આવા ઉદ્યોગમય શિક્ષણોની મહામોંઘી બક્ષિસ જ થઈ પડે છે. એટલે હિંદ જેવા ગરીબ દેશની કેળવણીને સ્વાશ્રયી બનાવવાની એમાં જે અપાર શક્તિ પડેલી છે એ સિવાય કેળવણીના શુદ્ધ શાસ્ત્રની દૃષ્ટિએ પણ ઉદ્યોગને કેળવણીનું વાહન કરવાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ બહુ જ સરળ થાય છે."

"૨.ઉદ્યોગને કેળવણીનું વાહન કરવાથી પ્રાથમિક કેળવણી જરૂર ખુશીથી સ્વાશ્રયી તઈ શકે છે. હિંદ જેવા ગરીબ દેશની કેળવણીનો પ્રશ્ન કેળવણીને સ્વાશ્રયી કરવાથી જ ઉકેલી શકાય. ઉપરાંત આપણી આર્ય સંસ્કૃતિને આ જ પદ્ધતિ અનુરૂપ થાય એમ છે. મને તો રેંટિયાનો ઉદ્યોગ ખૂબ જ ગમી ગયો છે. એ જ સર્વ વ્યાપક થઈ શકે એમ લાગે છે. એટલે મારા બે વર્ષના અનુભવમાં રેંટિયા ઉદ્યોગની પ્રાપ્તિનાજ આંકડા મારી પાસે પડ્યા છે. આપે વિચાર્યું છે એટાલું બધું વ્યવસ્થિત રૂપ મારા શિક્ષણકાર્યને હજુ નથી અપાયું. એટલે એમાં થયેલા અનુભવને પ્રગતિ માટે ખૂબ જ અવકાશ છે. એ આંકડાઓ અને તે વિષેની નોંધ આપની ઇચ્છા હોય તો મોકલીશ."

"૩. અંગેજી રદ્દ કરવાથી અને પ્રાથમિક કેળવણીને વધુ વ્યાપક દૃષ્ટિએ વિચારવાથી - અને વધુ સમય ઉદ્યોગમાં આપવા છતાં - આ પદ્ધતિથી થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓનો વધુ વિકાસ આપણે સાધી શકવાના છીએ, એ પણ મને તો બરાબર દેખાતું જાય છે. 'પંડિતાઈ', 'વિદ્વતા', 'કૌશલ્ય', વગેરેના કેળવણીના આજના અત્યંત ભ્રમ ભરેલા ખ્યાલો છોડીશું તો જ ઉદ્યોગકેળવણીમાં રહેલા સર્વગામી વિકાસની ઓળખ આપણૅ કરી શકીશું"

"૪. શાળાના કુલ સમયનો પોણાભાગનો સમય ઉદ્યોગને આપવાની ર્પથમ ક્રાંતિ કરી બીજી ક્રાંતિ કેળવણીની પદ્ધતિમાં એ કરવાની રહે છે કે, વાચનલેખન, સમયપત્રક, પરીક્ષા, વિષયવાર શિક્ષણ વગેરે આજનાં સાધનો દૂર કરી ઉદ્યોગકેળવણી માટે આ નીચેનાં સાધનો જ બહુ ઉપયોગી અને સરળ નીવડતાં જાય છે."

૩૭