આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. હૃદયની કેળવણી નહીંજેવી છે; એટલે નહીં તાંબિયાના, નહીં ત્રણના, નહીં તેરના, ને નહીં છપ્પનના મેળના, એવું તેઓનું જીવન વહે છે. બીજી તરફ આધુનિક કૉલેજ લગીની કેળવણી જોઈએ તો ત્યાં બુધ્ધિના વિલાસને વિકાસને નામે ઓળખવામાં આવે છે. બુધ્ધિના વિકાસની સાથે શરીરને કંઈ મેળ નથી એમ ગણાય. પણ શરીરને કસરત તો જોઈએ જ, તેથી ઉપયોગ વિનાની કસરતોથી તેને નિભાવવાનો મિથ્યા પ્રયોગ થાય છે. પણ ચોમેરથી મને પુરાવા મળ્યા જ કરે છે કે, નિશાળોમાંથી પસાર થયેલાઓ મજૂરોની બરાબરી કરી શકતા નથી, જરા મહેનત કરે તો માથું દુઃખે છે, ને તડકે રખડવું પડે તો ચક્કર આવે છે. આ સ્થિતિ સ્વાભાવિક મનાવવામાં આવે છે. હૃદયની વૃત્તિઓ, વણખેડાયેલા ખેતરમાં જેમ ઘાસ ઊગે તેમ, એની મેળે ઊગ્યા ને કરમાયા કરે છે. ને આ સ્થિતિ દયાજનક ગણાવાને બદલે સ્તુતિપાત્ર ગણાય છે.

આથી ઊલટું, જો બચપણથી બાળકોનાં હૃદયની વૃત્તોને જો વલણ મળે, તેઓને ખેતી રેંટિયા ઇ. ઉપયોગી કામમાં રોકવામાં આવે અને જે ઉદ્યોગ વડે તેમનાં શરીર કસાય તે ઉદ્યોગની ઉપયોગિતા, તેને અંગે વપરાતાં ઓજારો વગેરેની બનાવટ વગેરેનુ જ્ઞાન આપવામાં આવે, તો બુધ્ધિનો વિકાસ સહેજે સધાય ને નિત્ય તેની કસોટી થાય. આમ કરતાં જે ગણિતશાસ્ત્ર ઇત્યાદિના જ્ઞાનની આવશ્યકતા હોય તે અપાતું જાય ને વિનોદાર્થે સાહિત્યાદિનું જ્ઞાન અપાતું હોય, તો ત્રણે વસ્તુની સમતોલતા સધાય ને અંગ વિકાસ વિનાનું ન રહે. મનુષ્ય માત્ર બુદ્ધિ નથી, માત્ર શરીર નથી, માત્ર હૃદય કે આત્મા નથી. ત્રણેના એકસારખા વિકાસમાં મનુષ્યનું મનુષ્યત્વ સધાય. આમાં ખરું અર્થશાસ્ત્ર છે. આ પ્રમાણે જો ત્રણે વિકાસ એકસાથે થાય તો આપણાં ગૂંચવાયેલાં કોયડા સહેજે ઉકેલાય. આ વિચાર કે એનો અમલ સ્વતંત્રતા મળ્યા પછી થવાનો છે એમ માનવું ભૂલભરેલું હોવાનો સંભવ છે. કરોડો માણસો તો આવાં કામમાં રોકવાથી જ સ્વતંત્રતાનો દિવસ આપણે નજીક આણી શકીએ છીએ.

ह. बं. ૧૧-૪-'૩૭