આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨
ચાલુ શિક્ષણપ્રથાવાળાઓને

['હવાઈ તરંગો નહીં પણ ક્રિયા' એ લેખ]


ડૉ.એરંડેલે એમનો એક લેખ ओरियेंट इलस्ट्रेटेड वीकलीમાં પ્રસિધ્ધ થવાનો છે, તેની નકલ મને અગાઉથી મોકલી છે, ને તેની સાથે નીચેનો કાગળ લખ્યો છેઃ

"આપે એવી ઈચ્છા પ્રગટ કરી છે કે, હવે આ દેશમાં કેળવણી સ્વાવલંબી થવા માંડવી જોઈએ, ને આટલાં વરસ જેવી કૃત્રિમ રહી છે તેવી ન રહેવી જોઈએ. મેં હિંદુસ્તાનમાં કેળવણીના ક્ષેત્રમાં ત્રીસથી વધારે વર્ષ કામ કર્યું છે. મારો એક લેખ ओरियेंट इलस्ट्रेटेड वीकलीમાં પર્સિધ્ધ થવાનો છે, તે આપને મોકલું છું. કદાચ એમાં કંઈક અંશે આપના વિચારોને મળતા વિચારો હશે. મને એમ અવશ્ય લાગે છે કે, કેળવણીની એક રાષ્ટ્રીય યોજના હોવી જોઈએ ને તેને પોતાના પ્રાંતમાં અમલમાં ઉતારવાનો દરેક રાષ્ટ્રીય પ્રધાને બનતો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રશ્નને સહેજસાજ પહોંચી વળવાના છૂટા છવાયા પ્રયાસો તો ઘણા થયા છે. મને લાગે છે કે શિક્ષણના મહાસિધ્ધાંતોની ઘોષણા તત્કાળ કરવાની ઘણી જરૂર છે જેથી બધા પ્રાંતોની વચ્ચે એક સર્વસામાન્ય પ્રયત્ન રહે, જેમાં પ્રજા અને સરકાર બંને જોડાય."

પ્રસ્તુત લેખમાંથી સૌથી વધારે અગત્યના અને ઉપયોગી ઉતારા હું નીચે આપું છું. કેવી રીતે કામનો આરંભ કરવો એની ચર્ચા કર્યા પછી લેખક કહે છેઃ

"રાષ્ટ્રીય કેળવણીના મૂલ્યમાં કેવા સિધ્ધાંતો હોવા જોઈએ એ કહેવા જેટલી જગા હઈં મારી પાસે નથી. પણ હું એટલી આશા તો રાખું છું કે, છોકરા તેમ જ છોકરીઓ બંનેના શિક્ષણમાં આપણે 'શાળા' અને 'કૉલેજ' એવો હાસ્યાસ્પદ ભેદ ધીમે ધીમે કાઢી નાખીશું. કંઈક करवुं એ આખા શિક્ષણનો પ્રધાન સૂર હોવો જોઈએ.

૪૬