આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"વિચાર ગમે તેટલો જાગ્રત થાય તો પણ જ્યાં સુધી તેનું ક્રિયારૂપે ફળ ન આપે, ત્યાં સુધી તેની કશી કિંમત ન ગણાય. એ જ વસ્તુ ભાવનાઓના અને લાગણીઓના શિક્ષણ વિષે પણ કહી શકાય. આધુનિક શિક્ષણપ્રથાઓમાં એના વિષે બહુ દુર્લક્ષ કરવામાં આવેલું છે. હિંદુસ્તાનમાં જુવાનો કામ કરનારા થાય, અને કેળવણી દ્વારા એમનું ચારિત્ર એવું ઘડાય કે તેમાંથી કંઈક કર્મ, કંઈક વ્યવહારુ કાર્ય કરવાની શક્તિ, કંઈક સેવા કરવાની શક્તિ નીપજે. હિંદુસ્તાનને એવા જુવાન નાગરિકોની જરૂર છે કે જેઓ સંજોગો કે વારસાએ કરીને જે કંઈ ક્ષેત્રમાં પડ્યા હોય ત્યાં કંઈક સારું करी બતાવે. અભ્યાસના દરેક વિષયનું ધ્યેય સદાચાર હોય. આપણા શિક્ષકોએ બધી હકીકતોનું શિક્ષણ એવીજ રીતે આપવું જોઈએ કે જેથી વિદ્યાર્થીના ચારિત્રનો વિકાસ થાય. ચારિત્ર એ જ વ્યક્તિ તેમ જ રાષ્ટ્ર બંને માટે જીવનનો એક માત્ર સુરક્ષિત પાયો છે.

"અને એક વાર ચારિત્ર જાગ્રત થશે એટલે કંઈક करवानी સંક્લ્પશક્તિ બળવાન બનશે, અને સ્વાવલંબન અને સમર્પણ બંને દિશામાં એ વેગથી કામ કરવા લાગશે. ધરતીમાતાની જેટલે નજીક આવી શકાય તેટલે આવવાની, ખેતી વાટે એની પૂજા કરવાની, અને સાદાઈ તથા શુધ્ધ આચરણ દ્વારા તેના પર જેટલા ઓછા બોજારૂપ થવાય એટલા થવાની ઇચ્છા પેદા થશે. હું તો ચોક્કસ માનું છું કે ધરતી માતાનું કોઈ પણ બાળક તેની પાસેથી સીધી રીતે કંઈક પણ પોષણ મેળવવામાં અસમર્થ ન હોવું જોઈએ; અને હું તો કેળવણીમાં ધરતી સાથેનો સીધો સંબંધ - શહેરોની શિક્ષણસંસ્થાઓમાં પણ - કંઈક અંશે જરૂર દાખલ કરાવું.

"શિક્ષણની જે રૂઢિઓને લીધે આજે શિક્ષણ મોટે ભાગે નકામું થઈ પડ્યું છે તેને આપણે ફગાવી જ દેવી જોઈએ. અત્યારે રાષ્ટ્રીય પ્રધાનમંડળો છે એવે શુભ અવસરે આપણે સાચી કેળવણીની પધ્ધતિનું મગળાચરણ કરવું જોઈએ. એ કેળવણી એટલે કંઈ ભણતર નથી. આપણે જૂના જમાનાની કેળવણીની ઘરેડોમાં જકડઈ ગયા છીએ, અને ગાંધીજીએ સ્વાવલંબી કેળવણીની જે યોજના કાઢી છે તેને હું હૃદયપૂર્વક ટેકો આપું છું. તેઓ સૂચવે છે એટલે સુધી આપણે જઈ શકીશું એવી મારી ખાતરી નથી. છોકરાને સાત વરસની કેળવણી પછી 'કમાણી કરી શકે એવો બનાવી કાઢવો જોઇએ' એ વાતમાં મારી પૂરેપૂરી સંમતિ છે. મને પોતાને લાગે છે કે, દરેક જણને, અંશતઃ કેળવણી દ્વારા, પોતાની સર્જનશક્તિનું ભાન થવું

૪૭