આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઈએ, કેમ કે દરેક જણ એ વિકાસ પામતો ઈશ્વરી અંશ છે જે ઈશ્વરની પરમ શક્તિ -સર્જન કરવાની - છે તે એનામાં પણ એ શક્તિ જાગ્રત ન થાય તો કેળવણી શા કામની? તો એ ભણતર હોય, પણ કેળવણી તો નહીં જ.

"મગજ જેટલું માથામાં છે તેટલું જ હાથમાં પણ છે. દીર્ઘ કાળ સુધી આપણે માથામાંની બુધ્ધિને ઈશ્વર રૂપે માની છે. બુધ્ધિએ આપણા પર જાલિમપણું કર્યું છે, એના હાંક્યા આપણે હંકાઈએ છીએ. અત્યારે ઉપસ્થિત થયેલી નવી સ્થિતિમાં તે આપણા અને સેવકોમાંની એક બનવી જોઈએ; અને આપણે સાદાઈને, કુદરતને, સાદી સુંદરતાને, હાથની કારીગરીને - કલાકાર, કારીગર, ખેડૂત, સૌના હાથપગના પરિશ્રમને -ઉચ્ચ ઉન્નત માનતાં શીખવું જોઈએ.

"હુ જાણું છું કે, મને આવી જાતની કેળવણી મળી હોત તો મારું જીવન વધારે સુખી ને વધારે સમર્થ બન્યું હોત."

હું જે વ્યવહારુ માણસ તરીકે, વ્યવહારુ વાચકને માટે કહેતો આવ્યો છું તે ડૉ. એરંડલે કેળવણીકાર તરીકે, કેળવણીકારને તથા જેમના હાથમાં દેશના જુવાનોનું ઘડતર છે તેમને ઉદ્દેશીને કહ્યું છે. સ્વાવલંબી કેળવણીના વિચાર વિષે તેઓ જે સાવચેતી રાખે છે તેનું મને આશ્ચર્ય નથી થતું. મારે મન તો એ જ મુખ્ય પ્રશ્ન છે. મને દુઃખ માત્ર એક જ વાતનું છે કે, જે વસ્તુ મને ગયા ચાળીસ વરસથી ઝાંખી ઝાંખી દેખાતી હતી, તે હવે સંજોગોને બળે દીવા જેવી દેખાવા લાગી છે.

૧૯૨૦માં મેં ચાલુ શિક્ષણપ્રથાની સામે સખત વચનો કાઢેલાં. હવે મને સાત પ્રાંતોના પ્રધાનો પર થોડી તોપણ કંઈક અસર પાડવાની તક મળી છે. એ પ્રધાનોએ દેશની આઝાદીની લડતમાં મારી સાથે કામ કર્યું છે ને મારી પેઠે જ કષ્ટો સહન કર્યાં છે. એટલે અત્યારની શિક્ષણપધ્ધતિ તળિયાથી મથાળા સુધી અતિશય દુષિત છે એ આક્ષેપ સિધ્ધ કરી બતાવવાની તક સાધવાનું મને મન થઈ આવે છે. તેને હું રોકી શકતો નથી. અને જે વસ્તુ હું આ પત્રમાં બહુ અધૂરી ભાષામાં વ્યક્ત કરવા મથી રહ્યો છું, તેનું દર્શન મને એકાએક ઝબકારાની પેઠે થયું છે, અને એ સત્યની પ્રતીતિ મને દરરોજ વધારે ને વધારે થતી જાય છે. એટલે દેશના જે કેળવણીકારોને કશો સ્વાર્થ સાધવાનો નથી ને જેમનાં

૪૮