આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મન નવો વિચાર ઝીલવાને તૈયાર છે, તેમને હું કહેવાની હિંમત કરું છું કે, તેઓ મારી બંને સૂચનાઓ પર વિચાર કરે, અને અત્યારની શિક્ષણપ્રથા વિષેના તેમના લાંબા વખતથી જામી ગયેલા વિચારોને તેમની બુધ્ધિના સ્વતંત્ર પ્રવાહની આડે ન આવવા દે. હું કેળવણીના શાસ્ત્રીય અને રૂઢિમાન્ય રૂપથી છેક જ અજ્ઞાન છું એટલા માટે હું જે કહું છું ને લખું છું તેની સામે તેઓ વહેમાઈ જાય નહીં ને તેને પૂરો વિચાર કર્યા વિના ફેંકી ન દે. કહેવત છે કે, જ્ઞાન ઘણી વાર બાળકના મોઢામાંથી પણ પ્રગટ થાય છે. बालादपि सुभाषितम् એ કદાચ કવિની અતિશોયક્તિ હોય, પણ જ્ઞાન બાળકોનાં મુખમાંથી પ્રગટ થાય છે એ વિષે કશી શંકા નથી. નિષ્ણાત વિદ્વાનોને એને ઢોળ ચડાવે છે, અને તેને શાસ્ત્રશુધ્ધ રૂપ આપે છે. તેથી મારી વિનંતિ છે કે, મારી સૂચનાનો તેઓ કેવળ ગુણદોષની દૃષ્ટિએ જ વિચાર કરે. એ સૂચનાઓ અહીં ફરી આપી જાઉં.પહેલાં આ છાપામાં જે રૂપમાં આપી છે તે રૂપમાં નથી આપતો, પણ આ લીટીઓ લખાવતાં અને જે ભાષા સૂઝે છે તે ભાષમાંલખાવું છું:

૧. આજે પ્રાથમિક, મિડલ અને હાઈસ્કૂલની કેળવણીને નામે જે ચાલે છે, તેની જગા સાત કે વધારે વરસ પહોંચે એવી પ્રાથમિક કેળવણીએ લેવી જોઈએ. એ કેળવણીમાં અંગ્રેજીને બાદ કરતાં મૅટ્રિક લગીના સર્વ વિષયો, અને તે ઉપરાંત એકાદ ઉદ્યોગ, એટલાનું જ્ઞાન અપાય. ઉદ્યોગ એ જ્ઞાનનાં સર્વ ક્ષેત્રોમાં છોકરા છોકરીઓનાં મનનો વિકાસ સાધવાના સાધનરૂપ હોય.

૨. એવી કેળવણી, એકંદરે જોતાં, સ્વાવલંબી હોઈ શકે, હોવી જોઈએ જ; વસ્તુતઃ સ્વાવલંબન એ તેની યથાર્થતાની કસોટી છે.

ह० बं० , ૩-૧૦-'૩૭

૪૯