આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તે પોતાની ભાષામાં મૂકી શકતાં નથી, તેમ જ શિક્ષક જે શીખવે તે બરાબર સમજી શકતાં નથી. ઊલટું તેઓ પોતાની ભાષા કેવળ ઉપેક્ષાને લીધે જ ભૂલી જાય છે. આ બંને અનિષ્ટો ટાળવાનો એક જ રસ્તો તે ઉદ્યોગશિક્ષણ વાટે કેળવણી આપવાનો છે એમ મને દેખાયું.

હું પહેલે દિવસે શરૂઆત કરું એમાં એ જાણી લઉં કે, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી છે - એમને લખતાં વાંચતાં આવડે છે કે નહીં, ભૂગોળ આવડે છે કે નહીં; અને પછી તકલી દાખલ કરીને એમની એ આવડતમાં વધારો કરવાના પ્રયત્નથી શરૂઆત કરું.

હવે તમે મને પૂછી શકો છો કે, બીજા ઘણા હાથઉદ્યોગો છે તેમાંથી મેં તકલી જ શા માટે પસંદ કરી? કેમ કે તકલી પર કાંતવું એ આપણે માણસોએ શોધી કાઢેલા હાથઉદ્યોગમાંનો એક પ્રથમ ઉદ્યોગ છે ને તે યુગો થયાં ટકી રહેલો છે. છેક પ્રાચીન યુગમાં આપણું બધું કાપડ તકલી પર કાંતેલાં સૂતરમાંથી બનતું. રેંટિયો તે પછી આવ્યો; અને ઝીણામાં ઝીણા આંકનું સૂતર રેંટિયા પર કાંતી શકાતું નહીં, એને માટે તો તકલી જ લેવી પડતી. તકલીની ખોળ કરવામાં માણસની શોધકબુધ્ધિ પહેલાં કદી પહોંચી નહોતી એટલી ઊંચાઈએ પહોંચી. આંગળીઓની કુશળતાનો સારામાં સારો ઉપયોગ એ કામમાં કરવામાં આવ્યો. પણ તકલી કેવળ અશિક્ષિત કારીગરોના હાથમાં રહી, એટલે એનો વાપર બંધ થઈ ગયો. આજે જો આપણે એની કીર્તિ સજીવન કરવી હોય, ગ્રામજીવનને સજીવન ને પગભર કરવું હોય, તો આપણે બાળકોની કેળવણીનો આરંભ તકલીથી કરવો જોઈએ.

એટલે બીજા પાઠમાં હું છોકરાઓને શીખવું કે, તકલીનું આપણા નિત્યના જીવનમાં કેવું સ્થાન હતું. તે પછી તેમને થોડોક ઈતિહાસ શીખવું ને તકલીનો અસ્ત કેવી રીતે થયો તેની વાત કહું. તે પછી હિંદુસ્તાનનો ઇતિહાસનો થોડોક ક્રમ આવે - તેમાં ઇસ્ટ ઈંડિયા કંપનીથી કે તેથી પણ અગાઉના મુસલમાન સમયથી શરૂઆત થાય; અને ઇસ્ટ ઈંડિયા કપનીએ આપણા દેશનું શોષણ કેવી રીતે કર્યું, આપણા મુખ્ય હાથઉદ્યોગને ઇરાદાપૂર્વક કેવી રીતે ગૂંગળાવી નાખવામાં ને છેવટે

૫૧