આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારી નાખવામાં આવ્યો એનું વિગતવાર વર્ણન આવે. તે પછી યંત્ર શાસ્ત્રની - તકલીની રચનાની થોડીક સમજ અપાય. તકલી એ શરૂઆતમાં તો માટીનો કે ભીંજવેલા લોટનો નાનો ગોળો ને તેની વચ્ચે કાણું પાડીને ઘાલેલી વાંસની સળી એટલું જ હશે. બિહાર અને બંગાળના કેટલાક ભાગમાં આવી તકલી હજુ ચાલે છે. પછી માટીના ગોળાની જગ્યા ઈંટના ચકતાએ લીધી હશે; અને હવે આપણા યુગમાં ઈંટના ચકતાની જગા લોખંડ કે પોલાદ કે પીતળના ચકતાએ અને વંસળીની જગા લોખંડના તારે લીધી છે. આમાં પણ, ચકતું ને તાર અમુક કદનાં જ શા માટે છે, વધારે ઓછા કદનાં કેમ નથી, એ બધું સમજાવવાથી બાળકને ઘણું જ્ઞાન આપી શકાય. તે પછી રૂ વિષે - તે ક્યાં ઊગે છે, તેની કઇ કઇ જાતો છે, તે અત્યારે દુનિયાના કયા કયા દેશોમાં ને હિંદુસ્તાનના કયા કયા પ્રાંતોમાં ઊગે છે, વગેરે વિષે - થોડાંક વ્યાખ્યાનો અપાય. વળી એની ખેતીને વિષે, એને માટે કેવી જમીન સારામાં સારી ગણાય, વગેરે પણ સમજાવવામાં આવે. એને અંગે થોડુંક ખેતીનું જ્ઞાન પણ આપવું પડે.

તમે જોશો કે, આ જ્ઞાન શિક્ષક એના વિદ્યાર્થીઓને આપી શકે તે પહેલાં પોતે તે પચાવેલું હોવું જોઈએ. કાંતેલા તાર ગણવા, સૂતરનો આંક કાઢવો, આંટી બનાવવી, સૂતરને વણકરને ત્યાં મોકલવા તૈયાર કરવું, અમુક વીશીના કાપડમાં આડા ઊભા તાર કેટલા જોઈએ વગેરે શીખવતાં આખું પ્રાથમિક ગણિત શીખવી શકાય. કપાસ ઉગાડવાથી માંડીને કાપડ તૈયાર થતાં સુધીની દરેક ક્રિયા - કપાસ વીણવો, લોઢવો, રૂ પીંજવું,કાંતવું, પવાયત કરવી, વણવું - બધામાં રહેલાં યંત્રશાસ્ત્રના મૂળતત્ત્વો, અને એ વિષયને અંગેનાં ઇતિહાસ અને ગણિત, એ બધું શીખવી શકાય.

આમાં મુખ્ય વિચાર એ રહેલો છે કે, બાળકને જે હાથઉદ્યોગ શીખવાય તે મારફતે તેન શરીર, મન અને આત્માની બધી કેળવણી આપી દેવી. હાથઉદ્યોગની બધી ક્રિયાઓ શીખવતાં શીખવતાં બાળકના અંદર જે હીર રહેલું હોય તે બહાર ખેંચી આણવાનું છે; અને ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેના પાઠ એ ઉદ્યોગના અનુસંધાનમાં શીખવવાના છે.

૫૨