આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તેમની જરૂરિયાતની જ હું વાત કરું છું. કૉલેજની કેળવણીનો મને કશો અનુભવ નથી, જોકે હું સેંકડો કૉલેકિયનોના સંપર્કમાં આવ્યો છું, મેં તેમની સાથે દિલ ખોલીને વાતો કરેલી છે, તેમની સાથે પત્રવ્યવહાર કર્યા છે, એમની હાજતો, ખામીઓ ને તેમનો વ્યાધિ પણ હું જાણું છું. પણ અહીં આપણે કેવળ પ્રાથમિક કેળવણીનો જ વિચાર કરીએ. કેમ કે જે ક્ષણે આ મુખ્ય પ્રશ્નનો નિકાલ આવશે, તે ક્ષણે જ કૉલેજની કેળવણીનો પ્રશ્નનો પણ નિકાલ આવી જશે.

મારો તો દૃઢ અભિપ્રાય છે કે, અત્યારની પ્રાથમિક કેળવણીની પદ્ધતિમાં કેવાળ બગાડ જ નથી પણ એથી ચોખ્ખી હાનિ થાય છે. ઘણાખરા છોકરા માબાપ સાથેનો સંબંધ છોડી દે છે ને માબાપના ધંધાને પણ તિલાંજલિ આપે છે. તેઓ અનેક કુટેવો શીખે છે, શહેરી ઢબે વર્તવા જાય છે, ને કંઈક જેવું તેવું શીખે છે એ બીજું ગમે તે હોય પણ કેળવણી નથી હોતી. મને લાગે છે, આનો ઇલાજ એ છે કે, એમને ઉદ્યોગ કે હાથપગની કેળવણી દ્વારા શિક્ષણ આપવું. મને એનો કંઈક અનુભવ છે, કેમ કે મેં દક્ષિણ અફ્રિકામાં મારા દીકરાને અને બીજાં છોકરાંને ટૉલ્સટૉય ફાર્મમાં એવી કેળવણી આપી છે. એમાં અબ્ધી કોમનાં ને બધા ધર્મનાં છોકરાં હતાં; સારાંનરસાં બંને જાતનાં હતાં. તેમને હું સુતારી કે ચંપલ સીવવા જેવા કંઈક ઉદ્યોગ દ્વારા કેળવણી આપતો. એ ઉદ્યોગ હું કૅલનબૅકની પાસેથી શીખેલો ને તેઓ તે એક ટ્રોપિસ્ટ સંપ્રદાયના ખ્રિસ્તી સાધુઓના મઠમાંથી શીખી લાવેલા. મને એવો વિશ્વાસ છે કે, મારા દીકરાઓને ને એ બાળકોને એથી કશું નુકશાન થયું નહોતું, જોકે મને પોતાને કે એમને સંતોષ થાય એવી કેળવણી હું આપી શક્યો નહોતો; એનું કારણ એ હતું કે, મારી પાસે વખત બહુ ઓછો હતો ને મારી પાસે કામો ઢગલાબંધ આવી પડેલાં હતાં.

હું જે વસ્તુ પર કહસ ભાર મૂકું છું તે ઉદ્યોગ નથી, પણ ઉદ્યોગ દ્વારા કેળવણી છે. અક્ષરજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત વિજ્ઞાન વગેરે બધાનું જ્ઞાન ઉદ્યોગશિક્ષણ વાટે આપવું જોઈએ. કોઈ કદાચ એવો વાંધો ઉઠાવે કે, મધ્ય યુગમાં ઉદ્યોગ સિવાય બીજું કશું શીખવાતું નહોતું. પણ

૬૬