આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ વખતે ઉદ્યોગશિક્ષણનો ઉદ્દેશ કંઈ કેળવણી આપવાનો નહોતો. આ જમાનામાં માણસો બાપદાદાના ધંધા ભૂલી ગયા છે, કારકુની કે ગુમાસ્તી કરતા થઈ ગયા છે, ને ગામડાંને એમનો કશો લાભ મળી શકતો નથી. એનું પરિણામ એ આવ્યું કે, તમે ત્યાં જાઓ, પણ સામાન્ય ગામડામાં કુશળ સુતાર કે લુહાર મળવો અશક્ય થઈ ગયો છે; હાથના ઉદ્યોગો લગભગ ભૂંસાઈ ગયા છે; અને રેંટિયાની આપણે ત્યાં ઉપેક્ષા થઈ એટલે તેને લૅંકશાયર લઈ જવામાં આવ્યો, અને ઉદ્યોગો ખીલવવાની અંગ્રેજોની કુશળતાને પ્રતાપે એનો વિકાસ આપણે આજે જોઈએ છીએ એટલો બધો થવા પામ્યો છે. આ કહું છું તેનો યાંત્રિક ઉદ્યોગો વિષેના મારા વિચારો જોડે જરાયે સંબંધ નથી.

આનો ઇલાજ એ છે કે, કોઈપન હાથ ઉદ્યોગની આખી કળા ને તેનું આખું શાસ્ત્ર વ્યવહરુ શિક્ષણ દ્વારા શીખવવાં, અને એ ઉદ્યોગ વાટે કેળવણી આપવી. દાખલા તરીકે, તકલી પર કાંતતા શીખવવું હોય તો તેને અંગે રૂના અનેક પ્રકારો, હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતોની જમીનના ભિન્ન ભિન્ન પ્રકારો, આ ઉદ્યોગોના નાશનો ઇતિહાસ, એનાં રાજકીય કારાણો (જેમાં હુંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યનો ઇતિહાસ આવે), ગણિત વગેરેનું જ્ઞાન આપવું આવશ્યક થઈ પડે. આ અખતરો હું મારા પૌત્ર પર અજમાવી રહ્યો છું. એ બાળકને ભાગ્યેજ ખબર પડે છે કે એને શિક્ષણ અપાય છે, કેમ કે એ તો આખો વખત રમે કૂદે છે, હસે છે ને ગાય છે.

તકલીનું નામ હું એટલા સારુ દઉં છું કે, તમે મને એને વિષે સવાલો પૂછો. તકલી વિષે મને ઘણી ખબર છે; એની શક્તિ ને એમાં રહેલું કાવ્ય મેં નિહાળ્યાં છે. વળી વસ્ત્ર બનાવવાનો હાથ ઉદ્યોગ એવો છે જે બધે શીખવી શકાય. વળી તકલીમાં ખરચ કશું કરવું પડતું નથી. એની કિંમત સિદ્ધ થઈ ચૂકેલી છે. રચનાત્મક કાર્યક્રમનો જેટલો અમલ થયો તેને લીધે સાત પ્રાંતોમાં મહાસભાનાં પ્રધાનમંડળો રચાયા છે, અને જેટલે અંશે આ કાર્યક્રમનો અમલ થશે તેટલે અંશે એ પ્રધાનમંડળોને સફળતા મળવાની છે.

૬૭