આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેતીની વિગતો મારા કરતાં વધારે જાણે છે, કેમ કે તેઓ તેમનાં માબાપની જોડે ખેતરોમાં કામ કરે છે. બાળકને આપણે કાંતવાનું ને માબાપને ખેતીના કામમાં મદદ કરવાનું ઉત્તેજન આપીશું તેની સાથે તેમનામાં એવી ભાવના પણ પેદા કરીશું કે, તે કેવળ એનાં માબાપનો જ નથી, પણ ગામનો અને દેશનો પણ છે, અને તેમને એણે કંઈક વળતર આપવું જ જોઈએ. પ્રધાનોને હું કહું કે, તેઓ બાળકોને કેળવણીની ભીખ આપશે તો તેમને અપંગ બનાવી મૂકશે. તેઓ પોતાની કેળવણીનું ખરચ જાતમહેનતથી આપે એવી ગોઠવણ કરીને પ્રધાનો એ બાળકોને આત્મશ્રદ્ધાવાળાં ને બહાદુર બનાવશે.

આ પદ્ધતિ હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી સૌને એકસરખી લાગુ પડશે. મને એક જણે પૂછ્યું કે, તમે ધાર્મિક શિક્ષન કેમ દાખલ કરતા નથી? એટલા માટે કે, હું બાળકોને વ્યવહારુ ધર્મ - સ્વાવલંબનનો ધર્મ શીખવું છું.

આ રીતે શિક્ષણ પામેલા સર્વ વિદ્યાર્થીઓને નોકરીની જરૂર હોય તો તે આપવાને રાજ્ય બંધાયેલું છે. શિક્ષકો મેળવવા માટે અધ્યાપક શાહે ફરજિયાત સેવા લેવાનું સૂચવ્યું છે. ઇટલી અને બીજા દેશોના દાખલા ટાંકીને એમણે એ પદ્ધતિની ઉપયોગિતા સિદ્ધ કરી છે. મુસોલિની જો ઇટલીના જુવાનોને એના દેશની સેવા માટે ફરજિયાત ભરતી કરી શકે, તો આપણે કેમ ન કરી શકીએ? આપણા જુવાનો શિક્ષન લીધા પછી ધંધો શરૂ કરે તે પહેલાં એમની પાસેથી એક કે વધારે વરસ ફરજિયાત સેવા લેવી એને ગુલામી એ નામ આપવું ઉચિત છે ખરું? જુવાનોએ ગયાં સત્તર વરસમાં સ્વાતંત્ર્યની હિલચાલને સફળ કરવામાં મોટો ફાળો આપ્યો છે, અને હું તો એમને જિંદગીનું એક વરસ રાષ્ટ્રની સેવામાં આપવાની વિનંતી જરૂર કરું. આ બાબતમાં કાયદો કરવાની જરૂર પડે તો તે બળાત્કાર નહીં ગણાય, કેમ કે એ આપણા પ્રતિનિધિઓના મોટા ભાગની સંમતિ વિના પસાર નહીં કરી શકાય.

એટલે હું તમને પૂછું છું કે, ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવાની કલ્પના તમને ગમે છે કે નહીં ? હું તો એ સ્વાવલંબી થાય એને એની

૬૯