આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શીખતાં મને કેટલી મુશ્કેલી પડેલી એ હું જાણું છું. મારી બુધ્ધિ કટાઈ જતી હતી એ સમજવાની કોઈને પરવા નહોતી. હું માનું છું કે લેખન એ એક સુંદર કળા છે. આપણે નાનાં બાળકોને પરાણે કક્કો શીખવીને અને એનાથી જ શિક્ષણનો આરંભ કરીને એ કળાનો ઘાત કરીએ છીએ. આમ આપણે જ્યારે બાળકને કવેળાએ કક્કો શીખવવા મથીએ છીએ, ત્યારે લેખનકળાને હણીએ છીએ અને બાળકનો વિકાસ થતો રોકીએ છીએ.

હું તો ચોક્કસ માનું છું કે, આપણે દુઃખી થવાનું ને શરમાવાનું છે તે આપણી પ્રજાની નિરક્ષરતા માટે નહીં પણ તેના અજ્ઞાન માટે. તેથી પ્રૌઢશિક્ષણને માટે પણ હું અજ્ઞાન દૂર કરવાનો ઉચ્ચ કાર્યક્રમ મૂકું, ને તે પ્રમાણે પ્રૌઢ વયના ગ્રામવાસીઓને કેળવણી આપવાનું તેમને કહું. આનો અર્થ એ નથી કે, હું એ લોકોને કક્કો ન શીખવું. અક્ષરજ્ઞાનની જે ઉપયોગિતા છે તેને હું ઉતારી પાડવા માગતો નથી. કક્કાનું શિક્ષણ સહેલું કરવાને પ્રો. લોબાશે જે અથાગ પરિશ્રમ લીધો છે તેની મને કદર છે, તેમ જ પૂનાવાળા શ્રી ભાગવતે એ દિશામાં જે શ્રમ કર્યો છે ને એનો વ્યવહારમાં અમલ કરી બતાવ્યો છે, એની ઉપયોગીતા પણ હું બરોબર સમજું છું.શ્રી ભાગવતને તો મેં કહ્યું પણ છે કે, તમે જ્યારે આવી શકો ત્યારે સેગાંવ આવો ને તમારી કળા સેગાંવનાં સ્ત્રી-પુરુષ-બાળકો પર અજમાવો.

ગામડાંના ઉદ્યોગોને શિક્ષણના મધ્યબિંદુ તરીકે ગણવા જોઈએ, એ વિશે મને લવલેશ શંકા નથી. હિંદુસ્તાનની નિશાળોમાં જે પધ્ધતિ ચાલે છે તેને હું કેળવણી - એટલે કે મનુષ્યમા રહેલું હીર બહાર લાવવું - કહેતો નથી; એ તો બુધ્ધિનો વ્યભિચાર છે. બાળકોનાં મગજમાં ગમે તેમ હકીકતો ઠાંસવામાં આવે છે, જ્યારે આરંભથી ગ્રામોદ્યોગ કેંદ્રમાં રાખીને મનને કેળવવાની પધ્ધતિ મનનો સીધો અને વ્યવસ્થિત વિકાસ