આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વાવલંબી પ્રથમિક કેળવણી આપ્યા વિના ન કરી શકીએ. યુરોપનો દાખલો આપણે માટે નથી. એ એના કાર્યક્રમો હિંસાની દૃષ્ટિએ ગોઠવે છે, કેમ કે એને હિંસા પર વિશ્વાસ છે. રશિયાએ જે સિદ્ધિ મેળવી છે તેને હું તો ઉતારી પાડું, પણ એ આખું મંડાણ બળજબરી ને હિંસા પર રચાયેલું છે. જો હિંદુસ્તાને હિંસાનો ત્યાગ કરવાનો નિર્ધાર કર્યો હોય, તો આ શિક્ષણ-પદ્ધતિ એ તેને માટેની સાધનાનું એક આવશ્યક અંગ છે. આપણને કહેવામાં આવે છે કે, ઇંગ્લંડ કેળવણીની પાછળ કરોડો રૂપિયા ખરચે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, એ બધી દોલત બીજાઓને લૂંટીને મેળવવામાં આવે છે. એ લોકોએ શોષણની કળાનું એક સંપૂર્ણ શાસ્ત્ર બનાવી મૂક્યું છે, એટલે એમને એમના છોકરાઓને એવી ખરચાળ કેળવણી આપવી પોસાય. આપણે બીજાને ચૂસવાનો વિચાર કરી શકવાના નથી, કરવાના નથી, એટલે આપણી પાસે અહિંસા પર રચાયેલી આ શિક્ષણપદ્ધતિ સિવાય બીજો રસ્તો જ નથી.

[ઠરાવ પર થયેલી ચર્ચામાં કેટલીક ટીકાઓના ગાંધીજીએ જવાબ આપ્યા, તેમાં કહ્યું : ]

તકલી એ એક જ ઉદ્યોગ નથી, પન એ એક જ એવી છે ખરી જે બધે દાખલ કરી શકાય. કઈ નિશાળને કયો ઉદ્યોગ અનુકૂળ આવે છે એ જોવાનું કામ પ્રધાનોનું રહેશે. જેમને યંત્રોનો મોહ છે તેમને હું ચેતવણી આપવા ઇચ્છું છું કે, યંત્રો પર ભાર દેવાથી માણસોનાં યંત્રો બની જવાનું પૂરેપૂરું જોખમ રહેલું છે. જેઓ યંત્રયુગમાં વસવા માગતા હોય તેમને માટે મારી યોજના નકામી થશે, પણ એમને હું એટલું પણ કહું કે, ગામડાંની પ્રજાને યંત્રો વડે જીવતી રાખવી અશક્ય છે. જ્યાં ત્રીસ કરોડ જીવતાં યંત્રો પડ્યાં છે ત્યાં નવાં જડ યંત્રો લાવવાની વાત કરવી નિરથક છે, ડૉ ઝાકીર હુસેને કહ્યું કે, આદર્શની ભૂમિકા ગમે તેવી હોય તોયે આ યોજના કેળવણીની દૃષ્ટિએ સંગીન છે.

૭૧