આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦
યોજનાના ભીતરમાં


[ડૉ. જૉન ડી. બોઅર નામના એક અમેરિકન પાદરી (દક્ષિણભારતની એક કૉલેજના પ્રિન્સિપાલ)ને અને ગામ્ધીજીને થયેલી વાતચીતોનો શ્રી૦ મ૦ હ૦ દેસાઈના હેવાલ 'વર્ધાયોજનાનું વિવરણ' - એ લેખમાંથી નીચેનું છે -સં૦]

ડૉ. ડી. બોઅરે કહ્યું, " મને આ યોજના બહુ જ ગમે છે, કેમ કે એના મૂળમાં અહિંસા રહેલી છે. માત્ર અભ્યાસક્રમમાં અહિંસાને બહુ ઓછું સ્થાન અપાયું છે એટલી જ મુશ્કેલી મને લાગે છે."

ગાંધીજી કહે, " તમને એ યોજના ગમી એનું કારણ તો બરોબર છે. પણ આખા અભ્યાસક્રમની સંકલના અહિંસાને કેંદ્રમાં રાખીને ન કરી શકાય. એ યોજના અહિંસક મગજમાંથી ઉદ્ભવી છે એટલું જાણવું બસ છે. પણ જેઓ એ યોજના સ્વીકારે તેમણે અહિંસાનો પણ સ્વીકાર કરવો જોઇએ એવું નથી. દાખલા તરીકે, આ સમિતિના સર્વ સભ્યો અહિંસાને જીવનનો સિદ્ધાંત માનતા નથી. જેમ શાકાહારી માણસ અહિંસાવાદી હોવો જ જોઈએ એવું નથી - તે આરોગ્યને કારને પણ શાકાહારી થઈ શકે, તેમ આ યોજનાનો સ્વીકાર કરનારા બધા અહિંસાવાદી હોવા જ જોઈએ એવું નથી."


ડૉ. ડી. બોઅર: "હું કેટલાકે એવા કેળવનીકારોને ઓળખું છું જેઓ આ યોજના અહિંસાની ફિલસૂફી પર રચાયેલી છે એટલા માટે જ એ નાપસંદ કરે છે."

ગાંધીજી : " મને ખબર છે. એમ તો હું કેટલાક આગેવાનોને જાણું છું જેઓ ખાદીનો સ્વીકાર કરવાની એટલા જ માટે ના પાડે છે કે, એ મારી જીવનની ફિલસૂફી પર રચાયેલી છે ! પણ એને હું શી રીતે રોકી શકું ? અહિંસા એ યોજનાનું હાર્દ છે જ, અને એ હું સહેજે બતાવી શકું, પણ હું જાણું છું કે, હું એમ કરીશ તો પછી

૮૧