આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ તમને બીજા દેશો પાસેથી કશાની જરૂર જ ન પડે એટલું સાદું તમારું જીવન તમે બનાવી દો, તો તમે એમનાથી અળગ પડી જ જવાના; જ્યારે હું તો ઇચ્છું કે તમે અમેરિકાને માટે પણ જવાબદાર બનો."

"ચૂસવાનું ને ચુસાવાનું બંધ કરીને અમે અમેરિકા માટે જવાબદાર બની શકીએ, કેમ કે અમે એ પ્રમાણે કરીએ તો અમેરિકા અમારા દૃષ્ટાંતનું અનુકરાણ કરશે, અને પછી આપણી વચ્ચે છૂટથી લેવડદેવડ થવામાં મુશ્કેલી નહીં આવે."

"પણ તમે તો જીવનને સાદું કરી નાખવા ને મોટા ઉદ્યોગોને કાઢી નાખવા માગો છો."

"મારા દેશને જરૂરની બધી ચીજો હું ત્રણ કરોડ માણસને બદલે ત્રીસ હજારની મહેનત વડે પેદા કરી શકું તો મને વાંધો નથી; માત્ર પેલાં ત્રણ કરોડ આળસુ અને બેકાર ન બનવા જોઈએ. કામના કલાક ઘટાડીને રોજનાએક બે કલાક કામ કરવાનું રહે એટલી હદ સુધી યાંત્રિક ઉદ્યોગો દાખલ કરવાનો સમાજવાદીઓનો વિચાર છે, એ હું જાણું છું; પણ મારે એ નથી જોઈતું."

"પણ એથી લોકોને ફુરસદ મળે ને?"

"ફુરસદ શાને માટે ? હૉકી ખેલવા માટે ?"

"એને જ માટે નહીં, પણ દાખલા તરીકે સર્જનાત્મક હાથ ઉદ્યોગો માટે."

"સર્જનાત્મક હાથૌદ્યોગોમાં રોકાવાનું તો હું એમને કહું છું, પણ તેઓ રોજના આઠ કલાક કામ કરીને હાથ વડે ચીજો પેદા કરશે."

"દરેક ઘરમાં રેડિયો હોય ને દરેક માણસ પાસે મોટર હોય એવી સમાજની સ્થિતિ તો તમે નથી જ ઇચ્છતા. એ પ્રેસિડેન્ટ હૂવરનું સૂત્ર હતું. એને તો ઘેર ઘેર બે રેડિયો ને બે મોટર જોઈતાં હતાં."

ગાંધીજી : "એટલી બધી મોટરો અમારી પાસે થઈ જાય તો ચાલવાની જગા જ ન રહે."

૮૩