આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહોતા. હું પોતે કશા ચોક્કસ નિર્ણય પર આવ્યો નથી. હું માનું છું કે જેમ સહશિક્ષણની સામે તેમ તેની તરફેણમાં પણ એટલાં જ સબળ કારણો છે. અને જ્યાં એ પ્રયોગ થાય ત્યાં હું એનો વિરોધ નહીં કરું.

સર્વ ધર્મો વિષે સમાન આદર શીખવવાની બાબતમાં હું પોતે મક્કમ વિચાર ધરાવું છું. આપણે એ સુખી સ્થિતિએ ન પહોંચીએ ત્યાં સુધી ભિન્ન ભિન્ન કોમોની વચ્ચે સાચી એકતા થવાની કશી આશા મને દેખાતી નથી. પોતાનો જ ધર્મ ચડિયાતો છે અથવા એ જ એક સાચો ધર્મ છે એમ જો બાળકોને શીખવવામાં આવે, તો જુદાં જુદાં બાળકોની વચ્ચે મિત્રાચારી થી શકે જ નહીં એમ હું માનું છું. એવી સંકુચિત ભાવના રાષ્ટ્રમાં ફેલાય તો એમાંથી એ પરિણામ અવશ્ય ફલિત થાય કે, દરેક ધાર્મિક સંપ્રદાયને માટે જુદી નિશાળો હોવી જોઈએ ને એમને એકબીજાને ગાળ દેવાની છૂટ હોવી જોઈએ, અથવા તો ધર્મનું નામ જ દેવાની સખત મનાઈ કરવી જોઈએ. આવી નીતિનું પરિણામ એવું ભયંકર આવે કે એનો વિચાર જ થઈ શક્તો નથી. નીતિ કે સદાચારના મૂળભૂત સિધ્ધાંતો સર્વ ધર્મમાં સમાન છે. એ બાળકોને જરૂર શીખવવા જોઈએ, અને વર્ધા-યોજના પ્રમાણેની નિશાળોમાં એટલું ધાર્મિક શિક્ષણ પૂરતું ગણાવું જોઇએ.

ह૦ बं૦,૧૭-૭-'૩૮

૯૩