આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આપણી કેળવણીમાં ધરમૂળનું પરિવર્તન થવું જ જોઈએ. મગજને હાથ વાટે કેળવણી અપાવી જોઈએ. હું કવિ હોત તો હાથની પાંચ આંગળીઓમાં રહેલી અદ્‍ભૂત શક્તિ વિષે કવિતા લખી શકત. મગજ એ જ સર્વસ્વ છે અને હાથપગ કંઈ નથી એવું તમે શા સારુ માનો છો? જેઓ પોતાના હાથને કેળવતા નથી, જેઓ કેળવણીની સામાન્ય 'ઘરેડ'માં થઈને પસાર થાય છે, તેમનું જીવન સંગીતશૂન્ય રહે છે. તેમની બધી શક્તિઓ કેળવાતી નથી. કેવળ પુસ્તકિયા જ્ઞાનમાં બાળકને એટલો રસ નથી પડતો કે એનું બધું ધ્યાન એમાં રોકાઈ રહે. મગજ ખાલી શબ્દોથી થાકી જાય છે, અને બાળકનું મન બીજે ભમવા માંડે છે. હાથ ન કરવાનું કરે છે, આંખ ન જોવાનું જૂએ છે, કાન ન સાંભળવાનું સાંભળે છે; અને તેઓ અનુક્રમે જે કરવું, જોવું ને સાંભળવું જોઈએ તે કરતાં, જોતાં ને સાંભળતાં નથી. તેમને સાચી પસંદગી કરતાં શીખવવામાં આવતું નથી, અને તેથી તેમની કેળવણી ઘણી વાર તેમનો વિનાશ કરનારી નીવડે છે. જે કેળવણી આપણને સારાંનરસાંનો ભેદ કરતાં, સારું ગ્રહણ કરતાં ને નરસું તજતાં શીખવવાની નથી તે ખરી કેળવણી જ નથી."

હાથ વાટે મનની કેળવણી

શ્રીમતી આશાદેવીએ કહ્યું : "હાથ વાટે મનને શી રીતે કેળવાય એ આપ સમજાવશો?"

ગાંધીજી: "નિશાળમાં ચાલતા સામાન્ય અભ્યાસક્રમમાં એકાદ હાથ ઉદ્યોગ ઉમેરી દેવો એ જૂની કલ્પના હતી.એટલે કે, હાથઉદ્યોગને કેળવણીથી છેક જ અલગ રાખીને શીખવવાનો હતો. મને એ ગંભીર ભૂલ લાગે છે. શિક્ષકે ઉદ્યોગ શીખી લેવો જોઈએ જેથી તે પોતે પસંદ કરેલા ઉદ્યોગ દ્વારા એ બધું જ્ઞાન પોતાના વિદ્યાર્થીને આપી શકે.

"કાંતણનો દાખલો લો. મને ગણિત ન આવડે ત્યાં સુધી મેં તકલી પર કેટલા વાર સૂતર કાંત્યું, અથવા એના કેટલા તાર થશે અથવા મેં કાંતેલા સૂતરનો આંક કેટલો છે, તે હું કહી ન શકું. એ કરવા માટે આંકડા શીખવા જોઈએ, અને સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર પણ શીખવા જોઈએ. અટપટા દાખલા ગણવામાં મારે અક્ષરો

૯૭