આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાપરવા પડશે, એટલે હું એમાંથી અક્ષરગણિત શીખીશ. એમાં પણ હું રોમન અક્ષરોને બદલે હિંદુસ્તાની અક્ષરોના વાપરનો આગ્રહ રાખીશ.

"પછી ભૂમિતિ લો. તકલીના તકતા કરતાં વર્તુળનું વધારે સારું પ્રદર્શન શું હોઈ શકે? એ રીતે હું યુકલિડનું નામ પણ દીધા વિના વિદ્યાર્થીને વર્તુળ વિષે બધું શીખવી શકું.

"વળી તમે કદાચ પૂછશો કે, કાંતણ મારફતે બાળકને ઇતિહાસ કે ભૂગોળ કેવી રીતે શીખવી શકાય? થોડાક વખત પર 'કપાસ - મનુષ્યનો ઇતિહાસ' (Cotton - The Story of Mankind) એ જાતનું પુસ્તક મારા જોવામાં આવ્યું હતું. એ વાંચતાં મને બહુ જ રસ પડ્યો. એ નવલકથા જેવું લાગ્યું.એની શરૂઆતમાં પ્રાચીન કાળનો ઇતિહાસ આપેલો હતો; અને પછી કપાસ પહેલો કેવી રીતે ને ક્યારે વવાયો, એનો વિકાસ કેવી રીતે થયો, જુદા જુદા દેશો વચ્ચે તેનો વેપાર કેવો ચાલે છે, વગેરે વસ્તુઓ વર્ણવેલી હતી. જુદા જુદા દેશોનાં નામ હું બાળકને સંભળાવું, તેની સાથે સ્વાભાવિક રીતે એ દેશોનાં ઇતિહાસ ભૂગોળ વિષે પણ કંઈક કહેતો જાઉં. જુદા જુદા કાળમાં જુદી જુદી વેપારની સંધિઓ કોના અમલમાં થઈ? કેટલાક દેશોમાં બહારથી રૂ મંગાવવું પડે છે ને કેટલાક્માં કાપડ મંગાવવું પડે છે એનું કારણ શું છે? દરેક દેશ પોતપોતાની જરૂર પૂરતું રૂ કેમ ઉગાડી ન શકે? અ સવાલો મને અર્થશાસ્ત્ર અને કૃષિશાસ્ત્રનાં મૂળતત્ત્વો પર લઇ જશે. કપાસની કઇ જુદી જુદી જાતો છે, તે કેવી જાતની જમીનમાં ઊગે છે, તેને કેવી રીતે ઉગાડાય, ને ક્યાંથી મેળવાય, વગેરે માહિતી હું વિદ્યાર્થીને આપીશ. આમ તકલી કાંતણ પરથી હું ઇસ્ટ ઇંડિયા કંપનીના આખા ઇતિહાસ પર ઊતરું છું. એ કંપની અહીં કેમ આવી, તેણે આપણા કાંતણ ઉદ્યોગઓનો નાશ કેવી રીતે કર્યો, તેઓ આર્થિક ઉદ્દેશથી હિંદુસ્તાનમાં આવ્યા ને તેમાંથી રાજકીય સત્તા જમાવવાની આકાંક્ષા કેમ સેવતા થયા, એ વાત મોગલ અને મરાઠાની પડતીમાં, અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં, અને પછી આપણા જમાનામાં જનસમૂહના ઉત્થાનમાં કારણરૂપ કેમ નીવડી છે, એ બધું પણ મારે વર્ણવવું પડશે. એમ આ નવી યોજનામાં શિક્ષણ

૯૮