આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેઠિયા, મૂંઝાયા. ડૉ. નૌતમે કહ્યું : "આ બ્રહ્મદેશીઓ તો એવો વહેમી ખુલાસો આપી શકે છે, કે ભાઈ, અમને દેવો ને અપ્સરાઓ ઉપાડી જતા, એટલે અમારા દેહને થોડા મલિન રાખીને દેવોથી જે ઉગાર શોધવો પડ્યો હતો તેની આ પરંપરા અસલથી ચાલી આવે છે; પણ આ લોકોની પાસે છે કાંંઈ વહેમરૂપે પણ ખુલાસો ! ઉપરાંત, જેવા છે તેવા પણ આ બ્રહ્મીઓ આપણને શોધવા નથી આવ્યા. આપણે એને શોધતા આવ્યા છીએ ને હેમહીરા વેચવા છેક એમના અંત:પુરમાં પેસી જઈએ છીએ, એ ભેટ ધરે છે તે ફળો-મેવા ખાઈએ છીએ, એની પાસેથી વસ્તુના વીસ ગણા દામ પણ છોડતા નથી. એમાં એમની ગોબરાઈ કોઈ ઠેકાણે ગંધાઈ છે આપણને ? અને આત્મસુધારણાનું કાંઈ કામ એ ઉપાડે છે તો આપણે શું ઉત્તેજન આપીએ છીએ ? આ ગોરી બાઈ તમને ખંખેરી ગઈ. આઠ દિવસ પર બર્મી સુધારક-સેવકો આવેલા તેમને આપણે કાંઈ કેમ નહોતું આપ્યુ ?"

"એ બધાં ઊંડાં પાણીમાં ઊતરવાથી શું?" શામજી શેઠે સમેટવા કોશિશ કરી : "આપણાથી થાય તેટલું કરી છૂટીએ. આપણે તો પરદેશી પંખીડાં ! વાની મારી કોયલ ! આંહીં તો જવાહરલાલજી પણ આવે ને ગવર્નર પણ આવે. આપણે તો રોટલાથી કામ કે ટપટપથી? સૌનાં મન સાચવવાં પડે."

"ભાઈસાહેબ ! આંહીં આટલું રળીએ છીએ તો દેશની સેવામાં દાન કરી શકીએ છીએ. છાશવારે ઉઠીને ફલાણા વિદ્યામંદિરના સંચાલક, ને ઢીંકણા હરિજન આશ્રમના આચાર્ય, ને લોંકડા ગુરુકુળની છોકરીઓ, હાલ્યાં જ આવે છે. દુકાળ અને ધરતીકંપનો કોઈ પાર છે ? સાથે ગાંધીજીની ચિઠ્ઠી ને વલ્લભભાઈનો ભલામણનો પત્ર ! આપણને કોઈ દી વિસામો છે ! સૌને બાળવું પડે છે."

"એ આપની વાત સાચી છે, શાંતિભાઈ !" ડૉ. નૌતમે સ્વીકાર કર્યો, "હું કબૂલ કરું છું. આપણને જેમ કમાણી સિવાય બીજા કોઈ નૈતિક સાંસ્કારિક પ્રશ્નની પડી નથી, તેમ દેશમાંથી ફાળા કરવા