આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાત વિચારીને મારા બાપુની સદ્‍ગતિ ન બગાડજો."

"કોને રોશું? આપણા અજ્ઞાનને કે તેમના?" ડૉ. નૌતમે ફરી ફરી એકની એક વાત કહી.

"પણ જંગલીપણાની તો હદ કહેવાય ને? ઘરમાં મડદું પડ્યું છે, ને ખાણાંપીણાં ચાલે છે, ગળે શે ઊતરે?"

"તારા ને મારા બાપ મૂઆ ત્યારે બારમે દિવસે જ કારજની મીઠાઈઓ ઊડી હતી તે ગળે શે ઊતરતી હતી આપણા હિંદી લોકોને? વાત એમ છે કે મૃત્યુના આઘાતમાંથી કોઈ પણ પ્રકારે માણસ પાછો ચાલુ સ્થિતિમાં મુકાવા મથે છે."

"પણ આ તો ઘરમાં મડદું..."

"વત્તા-ઓછા અંશની જંગાલિયતની એ બધી એકની એક કથા છે. તને ખબર છે કે સ્મશાને આપણા ગુજરાતીઓ શું કરે છે?"

"શું?"

"ચિતા બળતી હોય ત્યારે બીડી ને ચા પીએ છે. અને બીજી તને તો ખબર છે કે તું જો આજે મરી જાય તો સ્મશાનમાં તારી બળતી ચિતા સામે જ મારે માટે નવા વેવિશાળની વાતો ચલાવાય ! બધું એકનું એક. ત્યાં આપણાં મૃત્યુ વેળા ભૂદેવો લૂંટે, આંહીં ફુંગીઓ લૂંટશે."

ધર્મને નામે ચાલતી એ લૂંટનો, સ્મશાનયાત્રાનો દિન પણ આવી પહોંચ્યો. કતારબંધ ફુંગીઓ આગળ ચાલતા હતા. તેમના હાથમાં અક્કેક પંખો હતો. પંખા પર સો સો રૂપિયાની નોટો ચોંટાડી હતી. એ નોટો ફુંગીઓને ગઈ. અને શબની ધામધૂમ ખતમ થયા પછી માને ખબર પડી કે પોતે છેલ્લી વાર લૂંટાઈ ગઈ છે.