આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
19
દીકરાની ચિંતામાં

હજુયે શિવશંકરની મા દેશમાંથી કાગળ લખાવતી બંધ નહોતી પડી. કાગળનો વિષય એક જ હતો :"દીકરા ! હજારેક રૂપિયાનો જોગ કરીને મોકલ, તો હું તારું સગપણ કરું. આટલી રકમ વગર આપણો પાટો ક્યાંય બાઝે તેમ નથી. ત્યાંથી આંહી આવનારા આપણા કંઈક ભાયુંનાં ઘર બંધાણાં, કંઈક રંગેચંગે લગન કરીને પાછા વળ્યા. તયેં ભાઈ, તું કેમ કંઈ જોગ કરતો નથી ? બધા કહે છે કે તારે તો સારી નોકરી છે. તયેં તું કેમ કાંઈ વિચાર કરતો નથી?"

શિવે જવાબો જ લખવા બંધ કર્યા હતા.

પછી એક દિવસ બર્માથી બે'ક સગાઓ માણાવદર નજીકના એક ગામે પાછા આવ્યા અને ગામમાં ચણભણ થતી વાત રાતે માળા ફેરવતી નરબદા ડોશીના કાને આવી:

"હેં નરબદા કાકીજી ! કાંઈ ખબર પડી?"

"ના માડી ! શેની ખબર ?"

"આ તમારા શિવાની."

"મારા શિવાની!" ડોસીનો શ્વાસ ફફડી ઊઠ્યો. 'શિવે કાંઈ કાળું કામ કર્યું હશે ? કાંઇ દગોફટકો કરીને નાણાં ઉચાપત કર્યાં હશે ? હે મારા શંભુ ! હે મહાદેવજી ! મારો શિવો તો તમે સમે હાથે દીધો છે. એણે એના પિતૃઓને દૂભવ્યા જેવું કામ કર્યું હોય તો એ સાંભળું તે પહેલાં જ મારી જીવાદોરી ખેંચી લેજો !' એમ વિચારતી એ માળાના મણકા વધુ જોરથી ફેરવવા લાગી.

"તમે બહુ લાંબું કર્યું ને, નરબદા કાકીજી !" વાત કરનારે વધુ ભેદ ઊભો કર્યો: "તેનું આ પરિણામ આવ્યું. તમારી છાતીએથી હીરાકંઠી છેવટ સુધી છૂટી નહી."

"શેની હીરાકંઠી, બાપુ ! ને શી વાત ?"