આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"હા માડી!" પૂજારીએ પણ એટલી જ શ્રદ્ધાથી સ્વીકાર કર્યો: "મહાદેવજી તો જેવા ભક્તો તેવા જવાબ વાળે છે. ભોળિયો નાથ મારો, કોઈને છેતરતો નથી. એ તો છે હાજરાહજૂર દેવતા! તમારું કામ ફત્તે કરો, માડી!"

"ત્યારે તો હું જઈશ. પણ એકલી શીદ જાઉં? મારી શારદૂને સાથે લેતી ન જાઉં? એય પરવારીને બેઠી છે. એને હવે શી વળગણ છે? એને જોડે લઉં, નીકર એલી બળૂકી બરમણ્ય મારાં ને શિવનાં તો પીંછડાં જ પાડી નાખશે. ઘરને ઉંબરે ચડવા તો નહીં દે, પણ મારા શિવને મળવાનીયે રજા નહીં આપે!"

તૈયારી કરવાને એક જ રાત બસ હતી. બે ઠેકાણે તાળાં દેવાનાં હતાં. પણ ચાવી તૂટી ગયેલી, ને તાળાંને પણ કાટ ચડી ગયેલાં, ગ્યાસતેલ લગાવીને તાળાં સાફ કર્યાં. ગામમાં ભમીને ચાવીઓ હાથ કરી. ચાર-પાંચ દિવસ ચાલે તેટલો સાથવો દળી દીધો. પાણીનો ગોળો ઘરમાં ઊંધો વાળ્યો, અને ગૃહરક્ષા મહાદેવને ભળાવી, છેલ્લો દીવો ઘરને ગોખલે બળતો મૂકી, નરબદા ડોશીએ, 'જરી દીકરી પાસે નગર જઈ આવું છું' એમ કહીને માણાવદર છોડ્યું.


૨૦

શારદુ આવી

"કોઈ બાઈ તમને બોલાવે છે, શિવ બાબુ," ખનાન-ટોની જૌહરમલ-શામજી ચાવલ મિલના દરવાને ઑફિસમાં આવી શિવશંકરને ખબર આપ્યા.

"ક્યાં છે?"

"દરવાજે."