આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીઠી હતી. તેમની અદબ પાળતા પુરુષો પણ અહીં જ નજરે પડેલા દુકાનદારી એ દીનતા નથી તેમ આછકલાઈ નથી એ એણે આંહી જ દીઠું. ત્રિયારાજની સાંભળેલી વાતો અહીં જ પ્રત્યક્ષ નીરખી. અને ભાઈએ પણ ભાભીના ધંધામાં મદદ કરવા જવાની બહેનને અનુમતિ આપી હતી. વળી બર્મી સ્ત્રીઓ તો ઠીક, પુરુષો પણ પોતાને એકલી શારદુને બદલે મા-શારદા કહી બોલાવતા. કોઈ મશ્કરી નહોતું કરતું. કોઈ તાકી નહોતું રહેતું. કોઈ કામ વગર પૂછગાછ નહોતું કરતું. પોતાના ને બર્મી સ્ત્રીના દેહના ઘાટઘૂટ વચ્ચે જબરદસ્ત અને આપોઆપ આગળ ધસી આવે તેવો અનેક અંગોપાંગોનો ભેદ છતાં કોઈ તેની ચેષ્ટા પણ કરતું નહોતું. ઉપરાંત, ભાભીએ તો ધંધામાં થોડો ભાગ પણ કરી આપેલો! એવી બજારમાં જવાનું બંધ થાય તો શું થાય ? જીવવું કેમ ગમે?

ટપ દઈને શારદુ ઊભી થઈ, બહાર આવી. મા-હ્‌લાએ રતુભાઈને કહ્યું કે "આમને મારે પેટ ભરીને શણગારવાં છે. બોલો છે એમના માપની ચીજો ? કે નવી ઘડાવવી પડશે?

ઘડીક તો રતુભાઈ હેબતાઈ ગયો. કોઈ બર્મી બહેનપણીને તો આ પોતાનો ગુજરાતી પોષાક પહેરાવીને નથી લઈ આવીને?

પણ એ તો અશક્ય હતું. કાયા જ પોકારી ઊઠતી હતી કે હું આંહીંની નથી. એ કાયા પરથી દૃષ્ટિ ચમકીને દોડી અને શિવા સામે ફરી.

શિવાએ કહ્યું : "મારી બહેન છે, થોડા મહિનાથી આવી છે, એનું નામ શારદા. નણંદને માંડ ભાભી મળી છે, ભાભીને માંડ નણંદ મળી છે; અને શ્રીમતીને ધંધામાં થોડા પૈસાની કમાઈ થઈ છે, તે હવે જીરવી શકતાં નથી. શારદાનું શરીર મઢવાની રઢ લીધી છે."

રતુભાઈએ શારદુના હાથ જોયાં. કાંડે કે ભુજા પર એક ચૂડી ઉપરાંત કોઈ પણ વસ્તુ પહેરાતી હોવાનું ઝાંખું આછુંયે ચિહ્‌ન નહોતું. વિધવા હશે!

ના, તો તો આ એક ચૂડી છે તે ન હોત, ને ચાંદલો ન કરતી