આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મને લાગે છે કે હું દિવસે દિવસે સૌને માટે આંહીંનું 'ડસ્ટબીન' (કચરો નાખવાની સુધરાઈની પેટી) બનતો જોઉં છું." રતુભાઈએ હસીને જવાબ આપ્યો.

તુરત હેમકુંવરે ટકોર કરી : "વાહવા ! વાહવા! આમ તો સ્ત્રીજાતિનું ઘણું ઉપરાણું લ્યો છો, પણ અંદરથી એને કચરો જ માનતા લાગો છો."

"કચરો છે? મનસુખલાલની બર્મી છોકરી શું કચરો છે, હેં રતુભાઈ ! કેવી ફક્કડ છોકરી છે!" આટલું બોલીને ડૉ. નૌતમે તુરત પત્ની સામે જોઈ લીધું ને ટોળ કર્યું: "ભૂલી જવાયું હો! માફ કરજે. પારકી છોકરીનાં વખાણ પોતાની બૈરીની હાજરીમાં ન કરવાં જોઈએ."

"ને પાછો આટલો મોટો વારસો!" હેમકુંવરબહેને રતુભાઈને લાલચ બતાવી.

"હા, એ એક મોટું આકર્ષણ ખરું." રતુભાઈએ લહેર કરી.

"એ આકર્ષણની વાત ભલે છોડીએ, રતુભાઈ!" હેમકુંવરબહેને વાતને વિસ્તારવા માંડી : "પણ આ તો મોટું કર્તવ્ય બજાવવાનું છે. મનસુખલાલ તો હામ ભીડીને કહે છે કે ગુજરાતી કોઈ ન સ્વીકારે તો ઘેર જાય, હું બરમા જોડે પરણાવી દઈશ. પણ એ માર્ગ વિકટ છે. બાઈ જ પોતાની છોકરીને બર્મી સંસારમાં ધકેલવા નારાજ છે. બાવીશ વર્ષનું એનું પરણેતર, એકવીશ વર્ષની દીકરી, ઉછેરી આખી ગુજરાતી ઢબે, માંસમચ્છીને તો દીઠાં ન સહી શકે: એને વનસ્પત્યાહારી તો ઠીક, પણ ભણેલગણેલ બરમોય કોણ જડે? આખો ઉછેર જ જુદો થઈ ગયો. બર્મી સંસ્કારમાં ઉછરેલી છોકરી શ્રીમંત હોય તોય ગરીબને અને ભણેલી હોય તોય અભણને જઈ શકે. પણ આ થોડું એમ કરી શકે છે?"

"એ પણ એક વિચિત્ર વાત નથી." રતુભાઈએ હેમકુંવરબહેન સામેથી ડૉ. નૌતમ પ્રત્યે વળીને કહ્યું, "કે દરેક માણસ જુવાન થાય અને પાંચ પૈસા કમાતો થાય કે તરત એને લગ્નના બજારમાં ઊભેલો ગણવામાં આવે છે?"