આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને રતુભાઈના પરિયાણ રઝળી પડ્યાં.

દિન પર દિન: પ્રહર પછી પ્રહર: અને રેડિયો ઝણેણતા ગયા કે જાપાન ગિલ્લીદંડાની રમત જેટલી સહજતાથી પ્રશાંતના ટાપુઓને ઉપાડતું આવે છે.

જગતને આંખો ચોળીને સ્વચ્છ નજરે નિહાળવાની સૂઝ પડે તે પૂર્વે તો જાપાને મલાયાની સામુદ્રધુનીમાંથી બે ઉત્કૃષ્ટ અંગ્રેજી રનજહાજોને પાતાળે બેસાર્યા. મલાયામાં ઉપરથી કટકો ઉતાર્યા.

પવનમાં જેમ તારીખિયાં પરથી ફાટતાં ફાટતાં પાનાં ઊડવા લાગે તેમ જાપાની ઝંઝાવાતમાં ઇંગ્લન્ડ-અમેરિકાના પ્રાણપ્યારા પૅસિફિક પ્રદેશો ઊપડાવા લાગ્યા.

વજ્રકડાકો બોલ્યો - સિંગાપોર તૂટ્યું. શેષનાગની ફેણ પરથી ગોરી સત્તાની મેખ ઊખડી ગઈ.

અરે પણ, બ્રહ્મદેશમાંથી પેલા બાઘોલા જેવા બેઠા બેઠા બગાસાં ખાતા જાપાનીઓ ક્યાં ગયા? શું પૃથ્વીએ પોતાનામાં સમાવી લીધા?

આંધી આવે છે: અગ્નિના વંટોળ લાવે છે, મલાયાથી ઉપર ને ઉપર આવે છે, સિયામથી સીધી ને તીરછી સબકારા કરતી આવે છે.

ભાગો, ભાગો, ભાગો! ઉઘરાણી-પાઘરાણી સમેટો, હાથ પરનાં ધાન હોય તે પાણીને મૂલે પતાવો, લક્ષ્મી હોય તે હિંદ ભેગી કરો, બૈરાં-છોકરાંને આગબોટો પર ચડાવો, બળતું ઘર કૃષ્ણાર્પણ કરો ! આ કાંઈ આપણો દેશ નથી. આ તો છે પારકી ભૂમિ, એને એના પ્રારબ્ધ પર છોડો. આપણું પ્રારબ્ધ લઈને આપણે ભાગો.

માલ હોય તેનો જલદી ખુરદો કરી નાખવાને માટે વેચાણનો એક મહાવંટોળ જાગ્યો. રતુભાઈએ પણ ભાનભૂલ્યાને જેમ માંડલે, રંગૂન અને શાન રાજ્યોની ઘૂમાઘૂમ માંડી દીધી, કારણ કે એની પેઢીમાં પારકી રકમ રોકાતી હતી. એમાં મુખ્યત્વે કરીને સોનાંકાકી ને નીમ્યાની પણ રકમો હતી. અનેક નાનાં નાનાં બર્મી કુટુંબો પાસેથી સોનાંકાકીએ અને નીમ્યાએ આણી આપેલી થાપણ પર એ પોતાનો ધંધો પાથરીને બેઠો