આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તખો અને ચભોજીની બીકે, અને દિવસે બસ લાગટ ઝાડીમાં જ ચાલ્યા કરવાનું. છ દિવસની લાગટ ઝાડી! અહોહો ! ઝાડી તે કાંઈ બીડની ઝાડી ! મારગ વગરની ઘનઘોર ઘાટી ઝાડી. અહોહો ! હેં ભાઈ! આ ઝાડી કાંઈ નજરમાં બેસે છે? એકેય વાર કપાણી નથી લાગતી. આમાંથી લાકડું નીકળે તેનો સુમાર જ ન રહે. નરદમ સોનાનું જ ટિંબર છે હો ! કોઈક દી પાછા વળીએ તો આ બીડ ભૂલવા જેવું નથી.

"પણ આપણા સમાનનું એક ગાડું કેમ હજુ આવ્યું નહીં!" બીજો ઊંંચી ડોકે ઉગમણી દિશાએ સઘન જંગલ તરફ જોતો હતો.

"આવી રયું, બાપ! દેશ છે ને કાંઈ ભાઠોડ! માણસાઇ તો પાતાળે ઊતરી ગઈ છે."

*

પડાવના બીજા એક ભાગમાં ડૉ. નૌતમ, રતુભાઈ, બે સ્ત્રીઓ અને બાળકોનો કાફલો બેઠો હતો. ચાર જણાએ ઉપાડી લાવેલી ડોળીમાં શારદુ સૂતી હતી.

કોઈ દેખી ન જાય તેમ ડૉ. નૌતમ એનું શરીર તપાસીને રતુભાઈ ને કહેતા હતા: "બચી જાય તો નવાઈ નહીં."

"પણ હજુ આ બીજા છ દિવસ..."

"પહાડી હવા મદદ પણ કરે. પણ વરસાદ તોળાઈ રહ્યો છે તેની બીક છે... આ જુઓ પેલો ગોરો મારી સામે જોઈ રહ્યો છે. ક્યાંઈક ઓળખી પાડશે તો આંહીંથી હજુ મને પાછો ધકેલશે. ઓ મારા બાપ! એ તો પાસે આવતો લાગે છે. લશ્કરી સી.આઈ.ડી. તો નહીં હોય? આવ્યો આ તો ! નક્કી કોઈક..."

ત્યાં તો પેલા ગોરાએ દૂરથી લલકાર કર્યો : "હલ્લો!"

"હલ્લો ! અહોહો ! તમે આંહી? અહીં કેમ ?" ડૉ. નૌતમ પેલા ફ્યુવાળા અંગ્રેજને પિછાન્યો ત્યારે એનો શ્વાસ હેઠો બેઠો.

"અહીં જ હોઉં ને?"

"ક્યાં જાઓ છો?"