આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બીજે ક્યાં વળી? ઑલ રૉડ્ઝ લીડ ટુ ઇન્ડિયા (બધા માર્ગો હિંદ જ લઈ જાય છે.)

"એકલા છો?"

"ના, મારાં બે છોકરાં પણ છે ને!"

"પણ તમે તો ખાસ યુરોપિયનોને રસ્તે જઈ શક્યા હોત!'

"હા, ને તે રસ્તે મને હાથી વગેરે વાહન પણ મળત. પરંતુ મને થયું કે જે રસ્તે હિંદીઓ જાય તે જ રસ્તે મારે જવું. તેમાં વળી તમે ભેટ્યા. તમે કયા માર્ગે આવ્યા?"

"પીમનાથી ગુડ્ઝ ટ્રેનમાં માંડલા, માંડલાથી લૉંચમાં મીમું, મીમુંથી ખટારામાં મનીલા, મનીલાથી મોટી લૉંચમાં કલેવા, કલેવાથી ઇંગોન હોડકામાં, ને ઇંગોનથી આંહીં ગાડારસ્તે."

"કેટલું ટૂંકામાં કહી નાખ્યું?" ગોરો શ્વાસ લઈ ગયો.

"દુ:ખનાં લાંબાં બયાન શા માટે?" નૌતમનો સ્વર ક્ષીણ પડ્યો.

"તમારે હોડીઓ ખેંચવી પડેલી?"

"હા જ તો. કાંઠે કાંઠે ધગધગતી રેતીમાં ચાલીને દોરડાં ખેંચવાં પડેલાં."

"અમારી લૉંચમાં ગોરાં જ હતાં. જગ્યા હતી છતાં દેશીઓને બેસવા ન દીધાં. લૉંચવાળાઓ હતા હિંદીઓ. તેમની ખોપરી તપી ગઈ. તે વખતે તો ન બોલ્યા, પણ પછી રસ્તે લૉંચમાં ભાર વધુ પડતો છે એમ કહી અમારી સ્ત્રીઓને ઉતરીને ચાલવા ફરજ પાડેલી. તેમાંથી કેટલીય મરી ગઈ."

"ગોરી સ્ત્રીઓ?" ડૉ. નૌતમ ચકિત થયો.

"હા. તમારાં પત્નીને હવે કેમ છે?"

"આ રહ્યાં." ડૉ, નૌતમે પત્ની બતાવી, "હવે એ એકલી નથી."

"શું કહો છો! પ્રસવ થઈ ગયો ! આજે કેટલામો દહાડો?"

"અઢારમો. ત્રીજે વાસે જ અમે નીકળ્યાં."

"ને બન્ને જીવે છે!"