આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પહાડો પછી પહાડો ઊભા હતા. પહાડોનો કોઈ પાર નહોતો. ગામડું નહોતું. જળાશય નહોતું. ઝૂંપડીયે નહોતી. પહાડોને પેટાળે પેટાળે સરકારે કરેલી નવી પગદંડી પર થઈને હિંદીવાનોનુ કીડિયારું ચાલ્યું જતું હતું. એ પગદંડીની કિનારી નીછે હજારો ફૂટ ઊંંડી કંદરાઓ હતી. સાહેબનો સાત વર્ષનો બાળક ચિંતાનું કારણ હતો. જરીક પગલું ચૂકે તો ગત્તાગોળમાં જાય તેવો વિકટ માર્ગ હતો. રસ્તે જે પાસે હોય તે જ ખાવાનું હતું. ટોચેથી છેક નીચે ખીણ સુધી ઊતરીને નાળામાંથી મળે તે પાણી પીવાનું હતું.

ચડ ને ઊતર - ચડ ને ઊતર - પહાડની અનંત અટવી ઓળંગી જવાનો અન્ય કોઈ ઈલાજ નહોતો. નહોતું ખચ્ચર કે ગધેડું, બકરું પણ નહોતું.

હતા કેવળ લંગોટિયા કાળા નાંગા મજૂરો - ને હિજરતી હિંદીઓ.

પહેલા દિવસની રાત એક ડહોળી નદીના પટમાં ગાળવી પડી. પડાવે ત્યાં રાંધ્યું ચીંધ્યું ને ખાઈ કરી રાતભર ચોકી રાખી.

વળતા દિવસના વહેલી પરોઢના સાડા ત્રણ વાગ્યે પડાવ ઊપડ્યો. બપોર સુધી ચાલ્યો. સાંજે અનરાધાર મે ત્રાટક્યો. સુવાવડી હેમકુંવરબહેન - ને એના જેવી તો કંઈક, પલળતી પલળતી પ્રભુને ભરોસે આગળ ચાલી.

ત્રીજે દિવસે ગોરા સાહેબનો સાત વર્ષનો દીકરો, આગલા દિવસના મેઘમાં પલળીને આખી રાત એ જ વસ્ત્રભર ફૂંકાતા પવનમાં સૂતેલો એટલે, સહેજ અસ્વસ્થ બન્યો. બે દિવસમાં ચુમ્માલીસ માઈલનો પંથ કર્યા પછી ત્રીજા રોજના બાવીસ માઈલ એને માટે વસમા બન્યા. એની ચાલ ધીમી પડી; પિતા-પુત્ર પાછળ રહ્યા.

સાંજે ત્રીજા પડાવ પર પહોંચીને સૌ રાહ જોતાં હતા. છેવટે તેમણે સાહેબને ખંધોલા પર કેવળ એકલા બાબલાને જ ઉપાડીને આવતો દીઠો.

નાની છોકરીને રમાડતી ગોરી કુમારિકા તો આ કાળા કાફલામાં