આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એને પોતે પૂછ્યું: "હેં રતુભાઈ, આ લોકોના આચારવિચારમાં કંઈક શિથિલપણું તો ખરું હો?"

"દાકતર સાહેબ!" રતુભાઈએ જવાબ દીધો : "એ રીત જ મિસ મેયોવાળી છે. જેટલું સ્વાભાવિક જીવન છે, તેટલું નીતિહીન ન કહેવાય. અહીં જે કાંઈ છે તે બ્રહ્મીઓનું સ્વાભાવિક જીવન છે."

સાંજ પડતી અને દાક્તરના રહેઠણની પાછળ થોડે દૂર દેખાતા એક મકાનમઆંથી સંગીતના સ્વરો આવતા, અને કોઈક હિંદી વાણીમાં ગાતો સ્ત્રીકંઠ બ્રહ્મદેશની પાર્થિવ શીતળતામાં આકાશી સુગંધ સીંચતો. ત્યાં કોણ રહેતું હશે તે પ્રથમ તેમણે સોનાચાંદીવાળા શેઠ શાંતિદાસને પૂછતાં શાંતિદાસે કહેલું : "દાક્તર સાહેબ ! એ હું કહેતો હતો તે જ છે. આ બ્રહ્મીસ્ત્રીઓનું કાંઈ પૂછવા જેવું જ નથી. મદ્રાસ તરફના ચોલિયા મુસલમાનનું ઘર માંડ્યું છે, છોકરીઓ પેદા થઈ છે; તેની બર્મી માતા કોણ જાણે શીયે તાલીમ દઈ રહી હશે!'

પછી રતુભાઈને પૂછતાં એમણે સમજ પાડી. તેમાં વાત તો એકની એક હતી પણ સમજણ જુદી હતી: "લગ્ન એ આંહીની બ્રહ્મી સ્ત્રીઓનો સંપૂર્ણ સ્વતંત્ર જીવનપ્રદેશ છે. આંહીંની સ્ત્રીઓ બચપણથી જ શિક્ષણ લે છે. પુરુષો કરતાં પણ વધુ ભણતી હોય છે-"

"બધી જ?"

"એકેએક - ગામડાંની સુધ્ધાં!"

"એટલી બધી નિશાળો છે?"

"હા, પણ તે સરકારી નહીં, સાધુઓની. ફુંગીઓના ચાંઉ (મઠો)માં પ્રત્યેક બર્મી બાળક ફરજીયાત ભણે છે. એક ગામડું પણ લોકોમાં સ્વાભાવિક શિક્ષણકાર ફુંગી સાધુ વગરનું નથી. આ સ્ત્રી પણ ભણીગણીને પછી માબાપ કે વડીલ કોઈની પણ રજાની પરવા કર્યા વગર મદ્રાસી મુસલમાનને પરણી છે. પણ એ પોતે પતિની તામિલ ભાષા પકડી શકી નથી. પતિ સાથેનો વ્યવહાર બ્રહ્મીમાં તેમ જ હિંદીમાં કરે છે. અને વખતે હિંદ જવું પડે તો શું થાય, એટલે પોતાની દીકરીઓને