આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બાયલાઓ નથી'. એટલે ધણી કહે કે 'તો જા બ્રહ્મીનું ઘર માંડ', પેલી કહે કે 'એમ? હવે પંદર વરસે તું મને જવાનું કહે છે? મેં તારી સાથે પરણતાં પંચ કર્મોના સોગંદ લીધા. પાંચમું તારાં ફાટેલાં કપડાં સાંધવાનું ધર્મકર્મ બજાવ્યું અને હવે -!' એમ કહીને એ ધા ઉપાડીને છલાંગી, ધા ઠઠાડી; પણ વચ્ચે થાંભલો આવી ગયો, એટલે આને થોડું જ લાગ્યું છે."

તે રાત્રિથી દાક્તર નૌતમને બ્રહ્મી લોકોની ધાનો ડર પેસી ગયો. અને એણે જાગી ઊઠેલ હેમકુંવરને જઈને કહ્યું કે "હવે તું તારે કામરૂ વિદ્યાના કામણની લેશમાત્ર બીક રાખીશ નહીં."

"કાં?"

"કાં શું ! ધા... આ... આ...!"

એમ કહી પોતાનું મોં પત્નીની ગોદમાં સંતાડી સૂઈ ગયા.


ચાવલની મિલમાં

રંગૂન નહીં, યાંગંઉ-મ્યો.

નામો બગાડાવાની કળામાં કુશળ એવા કયા પરદેશીએ આ યાંગંઉ-મ્યોનું રંગૂન કરી નાખ્યું તે તો ખબર નથી. એ જે હો તે, એણે મોટું પાપ કર્યું છે.

યાં એટલે વિગ્રહ, ગંઉ એટલે ખતમ થયું, ને મ્યો એટલે નગર. બ્રહ્મદેશના પરસ્પર લડ્યા કરતા રાજકર્તાઓએ જે સ્થાને લડવું બંધ પાડી શાંતિની સ્થાપના કરી, તે સ્થાનનું નામ યાંગંઉ-મ્યો.

આપણે એને રંગૂન રંગૂન કૂટીએ છીએ. અંગ્રેજોને મન એ રંગૂન કેવળ એક નિરર્થક સ્થાનસૂચક શબ્દ છે. સરકારનો મુકરર કરેલ એ શબ્દ આપણે જખ મારીને વાપરવો પડે છે. કોઈ પણ બ્રહ્મદેશી રંગૂન