આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ફર્સ્ટ એઇડ'નાં સાધનો હતાં, કેમ કે કાયદો એટલી જ ફરજ પાડતો હતો. પણ ફર્સ્ટ એઇડના સીમાડાને મા-પૂનું શરીર વટાવી ગયું હતું.

હજી સવારે જ રતુભાઇએ જેટી પર વેણીઓનાં ઝુંડ બિછાયેલાં જોયાં હતાં મા-પૂ પણ એમાંની એકાદ બની શકે તેટલો લાંબો એનો ચોટલો હતો.

એ ચોટલાનાં ફૂલો હજુ રતુભાઈના મેજ પર વણકરમાયાં પડ્યાં હતાં.

યાંગંઉ ટેલિફોન ગયો, શેઠિયા મોટર-બોટમાં હાજર થયા. ફૅક્ટરી-ઇન્સપેક્ટરને ખબર દેવાયા હતા. પણ એના આવી પહોંચ્યા પહેલા જ શામજી શેઠે ચાલી નીકળવું દુરસ્ત માન્યું.

"પણ ઓલ્યો હમણાં જ આવશે." રતુભાઈએ કહ્યું.

"તમે જ પતાવી દેજો ને, માસ્તર!" શેઠિયાએ રતુભાઈને સમજ પાડી, "જેમ ઠીક લાગે તેમ કરજો."

"પણ આ કઠોડાનું શું? મારી જ ગરદન પકડશે."

"ઠીક પડે તેમ પતાવી દેજો ને!" શામજી શેઠે એક આંખનો સૂચક મિચકારો માર્યો.

"પણ મને અદાલતમાં ઘસડશે તો!"

"તો કંપની તમારો દંડ ભરી દેશે. એમાં મૂંઝાઓ છો શું?" શામજી શેઠે બીજો મિચકારો માર્યો.

આંખને એક જ મિચકારે જગતને સમજાવી દેવાની કરામત જાણીતી છે.

-ને શેઠિયાને પાછા યાંગંઉ પહોંચાડવા લઈ જતી મોટર-બોટ ઇરાવદીનાં પાની ઉપર ગાજતી ગઈ.