આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાગળ થોડા લખજે. ખબર છે, ગાંડા ! હવે તો છ મહિના પછી અઢી અઢી આનાની ટિકટું ચોડવી જોશે. સરકાર મૂવા આનાના અઢી આના કરવાના છે, તી અભાગણી રાંડીરાંડું કાગળ લખશે કેવી રીતે, ઈનો કાંઈ વચાર જ ન કર્યો ! એમાં પાછા છોકરાવને આજકાલ ભાઈબંધુ બૌ વધ્યા, એટલે ઈ ટાઈલાં કરવામાં જ ટપાલું ઢરડશે ! ઘરે હતો તયેંય કાંઈ ઓછી ટપાલું ઢરડતો ! કવર વગર તો ઘા ન કરતો. પતે તો હાલતું નહીં શેહજાદાને ! હવે ત્યાં કમાવા જાછ. હવે તું કોઈ છોકરું નથી. હું તને કહી રાખું છું કે તારે મનેય બેત્રણ મહિને કાગળ બીડવો, અઠવાડિયે અઢી-અઢી આનાની ઉઠાડતો નહીં."

ગાડી ઊપડી તે વખતે માએ જાણીબૂજીને આંસુડાં રોકવા માટે જ અવાં ઝેરકોચલાં પુત્રને પિવરાવ્યાં હતાં. પછી પોતે પાછી વળીને એકલી એકલી લાંબે રસ્તે ચાલતી, રોતીરોતી ઘેર પહોંચી હતી અને બે દિવસ સુધી પોતાને રાંધવું ફાવ્યું નહોતું. ચૂલામાં જે ધુમાડો થતો તે એને કોઈ પાડોશી જાણી ન જાય એ રીતે રોવાની અનુકૂળતા કરી આપતો.

માએ આપેલી શિખામણને તો શિવલાએ નવાગઢ સુધી પહોંચીને ભાદરના પાણીમાં જ પધરાવી દીધી હતી. અને આફ્રિકા જવા માટે નીકળેલા બોર્ડિંગવાળા દોસ્તની સાથે કાગળો નિયમિત અઠવાડિયે લખવાની જિકર માંડી દીધી હતી. બેઉ જણા ખરાવી ખરાવીને પરસ્પર પત્રવ્યવહારમાં પ્રમાદી ન રહેવાની સૂચનાઓ દેતા હતા. પંદર વર્ષથી લઈને યુવાન લગ્ન કરી કાઢે છે ત્યાં લગીનો વચગાળો પ્રત્યેક કિશોરને અને યુવાનને મિત્ર સાથેના 'પ્રણય'નો, 'પ્યાર'નો (માત્ર સ્નેહનો નહીં), વિરહની યાતનાઓનો, ઝૂરવાનો અને તલસવાનો હોય છે; અને એ પત્રોમાં, પાછળથી સગી સ્ત્રી પણ જો ફાઈલ જુએ તો ઈર્ષાની આગ અનુભવે તેવા, ઉમળકાના ધોધ વહાવવાનો હોય છે. અને પાછળથી પરણે-પષ્ટે પછી બેશક તેઓ 'પ્રિય સુહૃદ' અને 'વહાલા' મટી કેવળ પરસ્પર 'ભાઈશ્રી' બની જાય છે.