આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
6
પરણી લીધું

મિત્રો પરના કાગળોમાં બતાવેલા વિચારો બ્રહ્મી સ્ત્રીઓ પ્રત્યે શિવશંકરના હૃદયમાં ધીરે ધીરે પલટાતા જતા હતા, એ રતુભાઈ મૅનેજરની ઝીણી આંખોએ પકડવા માંડ્યું હતું. સુકાતા ચાવલ તપાસવા પોતે વારંવાર એ સ્ટીમથી ધગધગતી પ્લેટ પર જતો ત્યારે પાંચ મિનિટ પણ જે ઠેકાણે ઊભતાં એની આંખે ઝાંઝવાં વળી જતાં, તે ઠેકાણે શિવશંકર ઊભો હોય અને એકબે મજૂરણો પાસેથી બર્મી બોલીના પ્રયોગો શીખતો જ હોય ! એ ઊકળતા ચરુ જેવા ઓરડામાં બર્મી મજૂરણો દિવસરાત ખંપાળી ફેરવતી હતી. પા પા કલાકની તેમની એક્કેક ટુકડીની પાળી હતી. પા કલાકે તો તેઓને બહાર નીકળવું પડતું. આ પા કલાકમાં કોઈ કોઈ મજૂરણને મૂર્છા આવી જતી. મોંએ પાણી છાંટીછાંટીને એનાં સાથીઓ એને શુદ્ધિમાં આણતાં. શુદ્ધિમાં આવીને તુરત એ સ્ત્રી માથે ઘાલેલી ભીં કાઢીને વાળ ઓળતી હતી. એ કોઈની સામે ફરિયાદ કરતી નહી. કોઈને કરગરતી નહીં કે મારું કામ બદલી આપો, કોઈને વીનવતી નહીં કે મને વધુ રોજી આપો. દિવસપાળી પૂરી થતાં સાંજે, કે રાતપાળી પૂરી થતાં પરોઢિયે એ મજૂરણો હાથ-પગ-મોં ધોતી, કપડાં બદલતી, અને હસતી હસતી ઘેરે જતી. કલાકો સુધી ભુંજાયા શેકાયા પછી તેમનો વિસામો ને દિલાસો એક જ હતો : સારાં કપડાં પહેરવાં ને સુગંધી પુષ્પો અંબોડે ઘાલવાં. કોઈ વાર તો કોન્ટ્રાક્ટર તેમને ત્રણ-સાડા ત્રણ આના જ મજૂરી આપી શકતો, છતાં પુષ્પોમાં ફેર ન પડતો.

શિવશંકરને આ બર્મીઓમાં 'ચાર્મ' (સૌન્દર્ય)નું દર્શન થવાનું બીજું કારણ તેની માતાનો છેલ્લો કાગળ હતો. આગલા કાગળોમાં મા લખાવ્યા કરતી કે હજારેક રૂપિયા બચાવીને મને જાણ કર તો હું તારા વેશવાળનો તાકડો કરું. ક્યે ક્યે ઠેકાણે કેવી કેવી કન્યાઓ છે ને તે દરેકની કેટલી કિંમત બેસે તેમ છે તે પોતે જણાવતી. તેના જવાબમાં