આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિવશંકર લખતો કે, આંહીં તો મરતાં સુધી હજાર રૂપિયાનો જોગ થઈ શકે તેમ નથી.

મા લખતી કે "દીકરા, હું તો આપણા ઊંચા કુટુંબનું અભિમાન મૂકી દઇને નીચલાં કુળોમાં પણ તપાસ કરું છું. તારા પિતૃઓ કદાપિ સ્વર્ગલોકમાં કચવાશે, કે પહેલી જ વાર આપણા ઘરમાં અસંસ્કાર પેઠો. પણ સંસ્કાર સંસ્કાર કરતાં તો તું કુંવારો રહી જઈશ તેની મને ઘણી ચંત્યા રહે છે. સંસ્કાર તો આપણામાં હશે તો પારકી દીકરીમાં આવી રહેશે. માટે તું કબૂલ કરતો તજવીજ કરું. તોય તે રૂ. 500 તો બેસશે જે. માટે તેટલાની તજવીજ કરજે."

જવાબમાં શિવે રોકડું પરખાવેલું કે, "બા, આપણે કુળને હેઠું પાડીને પિતૃઓને કોચવવાની જરૂર નહીં જ પડે, કારણ કે મારી કને રૂ. 500નો વેંત કદાપિ થવાનો નથી. તમે એ સૌ કન્યાઓનાં પિતામાતાઓને રાહ જોવરાવી રાખશો નહીં."

બસ, તે પછી શિવાની આંખોએ કબૂલ કર્યું કે બર્મી સ્ત્રીઓ રૂપાળી છે ! બીજો એકરાર એણે એ કર્યો કે કાઠિયાવાડની કન્યાઓ પરણવા લાયક નથી. ત્રીજી ગાંઠ એણે મનથી એ વાળી કે કાઠિયાવાડને ને મારે હવે શો સંબંધ રહ્યો છે ! મારું સાચું વતનતો આ બ્રહ્મદેશ જ છે. મા મરી જશે; પરણેલી બહેન તો જીવતે મૂએલી છે !

પછી રાતપાળીના સુકાતા ચાવલની દેખરેખ એને ગમવા લાગી. રાત્રીએ પોતે દિવસભરની ચાવલ-ખરીદીઓનો રિપોર્ટ તૈયાર કરવા બેસતો તેવામાં મજૂરણોનાં પુષ્પોની મહેક એના મનમાં મીઠી વ્યથા પેદા કરતી. અંબોડા છોડી છોડી ફરી ઓળી, ફરી વાર બાંધતી બાઈઓ એના મેજ પર આંટા મારવા આવતી અને પુષ્પોનો એના મેજ ઉપર ઢગલો કરતી. માતાહીન, સંસારમાં કોઈ પણ સ્વજનના સુંવાળા સંપર્ક વગરના, નોનમેટ્રિકિયા છતાં સાહિત્યના જળે સિંચાયેલ અને વેરાનવાસી છતાં ગ્રામોફોનનાં સિનેમાગીતોએ સુકુમાર શબ્દસંગીતના સ્પર્શથી ભાવનાએ ભીંજાયેલા આ યુવાન શિવાને