આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રહ્મદેશની ભૂમિની માદક સોડમ આવવા લાગી.

મિલના બાસામાં જે જમવાનું મળતું તે ધરમૂળથી ખરાબ તો હતું જ, પણ એક દિવસ શિવશંકરને એનો કુસ્વાદ એકાએક અસહ્ય બન્યો. થોડા વખતે એણે બાસો છોડ્યો, અને પરામાં એક્ દૂરને સ્થાને ઓરડી લીધી. એના પોશાકમાં નવી ચમક ઊઠી. એ દીન મટી રુઆબદાર બનતો ગયો. અને એણે એક નવી બાઇસિકલ વસાવી. રોજ એ દૂરથી સાઇકલ પર જતો-આવતો થયો. સાથીઓમાં ચણભણ ચાલી. રતુભાઇને કાને એક દિવસ વિસ્મયકારી વાત આવી. એણે શિવશંકરને એકાંતે લઈને પૂછી જોયું. શિવે શરમાતાં શરમાતાં કહ્યું -

"હું તમને બધું કહેવાનો જ હતો. આજે જો આવી શકો. તો મારે ઘરે ચાલો."

રસ્તે શિવશંકરે પોતે એક બર્મી સ્ત્રી સાથે લગ્ન કર્યાની વાત કહી : "દેશમાં મને કોણ બ્રાહ્મણની કન્યા દેવાનું હતું ? હું પરણ્યા વગર રહી શકું તેટલું મારું સામર્થ્ય નહોતું."

"કશી ફિકર નહીં, સારું કર્યું." રતુભાઈએ શાબાશી આપી અને એને ઘેર ચાલ્યો.

એક મોટા મકાનની બે ઓરડીઓમાં શિવે ગૃહસસંસાર માંડ્યો હતો. મહેમાનને જોતાં જ એક ગુજરાતી પોશાકવાળી સ્ત્રી પાછલા કમરામાં જઈને લપાઈ ગઈ, અને ત્યાંથી એણે શિવની સાથે મહેમાન સારુ મેવાની રકાબી અને પાનનો ડબો મોકલ્યાં.

રતુભાઇએ આ મુલાકાત કંઈક ભારે હૃદયે પૂરી કરી અને બહાર નીકળી શિવને કહ્યું : "એનાં માબાપ છે ?"

"હા, આ ગામમાં જ રહે છે."

"એમણે સંમતિ આપી હતી."

"હા, પૂરેપૂરી."

"સંબંધ સાચવ્યો છે ?"

"ખાવાપીવા સિવાય જેટલો સચવાય એટલો."